પશુપાલન વિભાગ સતર્ક:આણંદ જિલ્લામાં લમ્પી વાઇરસને નાથવા યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરૂ, 20 હજાર પશુનું રસીકરણ કરાયું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 241 પૈકી 157 પશુ રોગના લક્ષણોમાંથી બહાર આવ્યાં, જ્યારે 78 પશુ સારવાર હેઠળ

આણંદ જિલ્લામાં લમ્પી ડિસિઝ વાયરસને નાથવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગ દ્વારા વિવિધ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જેમાં રસીકરણની કામગીરી અભિયાનરૂપે હાથ ધરવામાં આવી છે. હાલ 20 હજારથી વધુ પશુનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 241 પૈકી 157 પશુ રોગના લક્ષણોમાંથી બહાર આવ્યાં છે. જ્યારે 78 પશુ સારવાર હેઠળ છે. જિલ્લાભરમાં અઢી લાખથી વધુ પશુઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. હાલ અઢી લાખ રસીના ડોઝ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ટાસ્ક ફોર્સના સભ્ય દિપક પાટીલે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

રસીકરણની કામગીરી પુરજોશમાં
આણંદના નાયબ પશુપાલન નિયામક ડો. સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં પશુઓમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડિસિઝને નાથવા પ્રશાસનના સહયોગથી જિલ્લા પંચાયતનો પશુપાલન વિભાગ સતર્ક બન્યો છે. આણંદ જિલ્લામાં લમ્પી રોગ સામે પશુઓને રક્ષિત કરવા સારવાર અને રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આણંદ જિલ્લામાં પશુઓને લમ્પી સ્કીન ડીસીઝ રોગચાળાથી બચાવ કરવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના તમામ તાલુકામાં કુલ 20,320 પશુઓને રસી મૂકવામાં આવી છે. અત્યાર સુધી 241 અસરગ્રસ્ત તમામ પશુઓને સારવાર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી 157 પશુઓ રોગના લક્ષણોમાંથી બહાર આવી ખોરાક લેવાનું ચાલુ કર્યું છે. જ્યારે 78 પશુ સારવાર હેઠળ છે.
પશુપાલન વિભાગ પાસે એક લાખ, અમુલ ડેરી પાસે બે લાખ ડોઝ ઉપલબ્ધ
આણંદ જિલ્લાના તમામ તાલુકામાં લમ્પી સ્કીન ડીસીઝ રોગયાળાથી બચાવ કરવા માટે અમુલ ડેરી તથા પશુપાલન વિભાગ કામગીરી કરી રહ્યો છે. જેમાં 25 પશુધન નિરિક્ષક તથા અમુલ ડેરીના વેક્સીનેટરની ટીમ બનાવી અઢી લાખથી વધુ પશુઓને રસીકરણ હેઠળ આવરી લઇ વહેલામાં વહેલી તકે રસીકરણ કરવા માટે સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં પશુપાલન વિભાગ પાસે એક લાખ તથા અમુલ ડેરી પાસે બે લાખ ડોઝ રસીનો જથ્થો ઉપલબ્ધ છે.

બેડવા ગામે પશુ વેચાણ બજાર બંધ રાખવા સુચના અપાઇ
રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સના સભ્ય દિપક પાટીલે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત નાયબ પશુપાલન નિયામક ડો.સ્નેહલ પટેલે બેડવા ગામે પશુ વેચાણ બજારની મુલાકાત લઇ અત્યારના સંજોગોમા પશુ વેપાર તદ્દન બંધ કરવા તથા બહારથી વેપાર માટે પશુઓ નહીં લાવવા તથા બીમાર પશુ જણાય તો તેને સારવાર કરવા તથા અલગ રાખવા ખાસ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...