પાલિકાની અપીલ:આણંદ નગરપાલિકા હદમાં આવેલા જાહેર રોડની આજુ-બાજુ ગેરકાયદેસર દબાણો 7 દિવસમાં સ્વય દૂર કરવા તાકીદ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ કાચા પાકા દબાણો દૂર કરવા મુહિમ ઉભી થઇ છે.પાલિકા તંત્ર દ્વારા દબાણકારોને સ્વેચ્છાએ આ દબાણો દૂર કરવા 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ આ નોટીસને લઈ નગરમાં હડકંપ મચી છે.વળી દબાણકારોએ નગરપાલિકાના વચેટિયાઓ અને રાજકીય અકાઓના શરણે દોટ મૂકી છે.આ દબાણો દ્વારા મોટી રકમની ખાયકી નગરપાલિકા વચેટિયાઓ મારફત પાલિકામાં વહીવટી અને રાજકીય સત્તા ભોગવતા ભ્રષ્ટ તત્વોને પહોંચતી હોઈ નગરપાલિકાને દબાણમુક્ત બનાવવુ સૌથી વધુ પડકારરૂપ બની રહેશે તેમ માનવામાં આવી રહયુ છે.

આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબા ઝાલા, કારોબારી સમિતિના ચેરમેન સચીન પટેલ અને ચીફ ઓફિસર એસ.કે.ગરવાલે એક સંયુકત યાદી દ્વારા આણંદ નગરપાલિકા, આણંદની હદ વિસ્તારમાં સમાવિષ્ટ જાહેર રોડની આજુબાજુ, ફુટપાથ ઉપર લારી-ગલ્લા, ખાણી-પીણીના સ્ટોલ, કાચાં-પાકા ઓટલા તેમજ મંજૂર આખરી નગર રચના યોજનામાં આણંદ નગરપાલિકા, આણંદને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટો ઉપર ગેરકાયદેસર કાચા-પાકા ઝુંપડાના દબાણો ધરાવતા હોય તેઓને પોતાની રીતે સ્વયં દિન-7(સાત)માં દૂર કરવા તાકીદ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેઓએ વધુમાં જો સમયગાળા દરમિયાન સંબંધિત દબાણકારો દ્વારા સ્વયં આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવ્યા હોય તો આ સમયબાદ આણંદ નગરપાલિકા દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આ દબાણો દૂર કરવા દરમિયાન કોઇ જાન-માલને નુકશાન થશે તો તેની જવાબદારી આણંદ નગરપાલિકાની રહેશે નહીં તેની પણ ખાસ નોંધ લેવા જણાવ્યું છે.

મહત્વનું છે કે આણંદમાં છેલ્લા 20 થી 30 વર્ષ ઉપરાંતથી અડિંગો જમાવી જાહેર ટ્રાફિકને સમસ્યારૂપ બની રહેલ ટૂંકી ગલી ,જૂનું બસ્ટેન્ડ ,રાજારણછોડ માર્કેટ ,ટાઉન પોલીસ સ્ટેશનની સામે ,મોટી શાક માર્કેટ ,સુપરમાર્કેટના પાર્કિંગ ,રેલવે સ્ટેશન વિસ્તારમાં ,મોટી પોસ્ટઓફીસ વિસ્તારમાં તેમજ હાલના વર્ષોમાં ઉભા થયેલ ગુરુદ્વારા સર્કલની આસપાસના અને આણંદ વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં દબાણો દૂર થશે કે પછી આ મુહિમ રાજકિય ડંફાસ બની રહે છે તે જોવું રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...