વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત એકલવ્ય બોયઝ હોસ્ટેલમાં હોબાળો થયો હતો. છાત્રોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા વિદ્યાર્થીપાંખ એબીવીપી અને હોસ્ટેલના છાત્રોએ નારા સાથે હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીપાંખ દ્વારા સુવિધાઓની માંગ સાથેનું આવેદન પત્ર શુક્રવારે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને આપવામાં આવ્યું હતું.
શિક્ષણ નગરી વિદ્યાનગરીમાં વિદ્યાર્થીઓ દેશ-વિદેશ અને અનેક રાજ્યો અને જિલ્લામાંથી અભ્યાસ અર્થે આવે છે. અને તેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં હોય છે. પરંતુ સરદાર પટેલ યુનિવર્સિટીની એકલવ્ય હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હોસ્ટેલના બેનરમાં બતાવેલી એક પણ પ્રાથમિક સુવિધાઓથી આપવામાં આવતી નથી.
જેમ કે, અત્યારે શિયાળો હોય નાહવા માટે ગરમ પાણી નથી આવતું, અમૂક રૂમમાં પંખા નથી, પીવાનું પાણી ફિલ્ટર નથી થતું, અમૂક રૂમ અને લોબીના એરિયામાં લાઇટ નથી, સફાઇ નિયમિયત કરવામાં આવતી નથી, જમવાનું મેનૂ પ્રમાણે બનાવમાં આવતું નથી અને ચા નાસ્તો પણ ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે.
જે અંગે વિદ્યાર્થીઓ દ્વારા બે વાર લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું ન હતું. જેથી છાત્રોએ વિદ્યાર્થીપાંખ એબીવીપીને જાણ કરી હતી. જે અંગે વિદ્યાર્થીપાંખ દ્વારા ગુરુવારે મોડી રાત્રે આવેદન આપવા માટે નારા લગાવ્યા હતા,વધુમાં વિદ્યાર્થીપાંખ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાત્રે હોસ્ટેલના રેક્ટર જાગૃતિબેન સવેરાને ફોનથી જાણ કરવામાં આવતા તેઓ વિદ્યાર્થીઓની તકલીફ પર હાંસી ઉડાવતા હતા.
ઉપરાંત બે વાર રજૂઆત કરવા છતાં સત્તાધિશો દ્વારા નિર્ણય ન લેવાતા હોસ્ટેલમાં હોબાળો મચી ગયો હતો. શુક્રવારે વિદ્યાર્થીપાંખ દ્વારા હોસ્ટેલની પ્રાથમિક સુવિધાની માંગ સાથેનું આવેદન પત્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિને આપ્યું હતું.
મોટાભાગનું કામ થઈ ગયું છે બાકી છે તે થોડા દિવસમાં થઈ જશે
એકલવ્ય હૉસ્ટેલના વિદ્યાર્થીઓને સગવડ ઓછી લાગે છે. વિદ્યાર્થીઓની રજૂઆત કુલસચિવ કે કુલપતિ સુધી પહોંચી ન હતી. વિદ્યાર્થીઓને ગરમ પાણી અંગે પ્રશ્ન હતો કે ગરમ પાણી નથી આવતું. વાંદરાઓએ સોલારને તોડી નાખતા ગરમ પાણી નોહતું આવતું પરંતુ તેનું અડધું કામ પૂર્ણ થઈ ગયું છે. રેક્ટરને બોલાવીને તપાસ કરી છે, તેવું કશું છે નહીં. મેનૂ પ્રમાણે અને સાત્વિક નાસ્તો આપવામાં આવે છે. અને તેઓની બીજી માંગની પૂરી થઈ જશે બે ત્રણ દિવસમાં. > ડૉ. નિરંજન પટેલ, કાર્યકારી કુલપતિ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.