માવઠુ થયું:ખેડા - આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ : ઠાસરા અને ડાકોરમાં 10 મિનિટ સુધી પાણી વરસ્યું : ખેડૂતો ચિંતિત

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાકોર - Divya Bhaskar
ડાકોર
  • ચરોતરમાં આગામી 48 કલાક સુધી બિનમોસમી વરસાદની ભીતિ : તમાકુ, શાકભાજીના વાવેતર પર ખતરો

અરબી સમુદ્ર સર્જાયેલા લો પ્રેસરના પગલે ચરોતરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ખેડા જિલ્લામાં ડાકોર, ઠાસરા સહિતના નગરોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજીતરફ આણંદ શહેર સહિત જિલ્લાના અમુક નગરોમાં સામાન્ય છાંટા પડ્યા હતા. મોગરમાં સાંજના સમયે સામાન્ય વરસાદી ઝાપટું વરસ્યું હતું . આમ દિવસ દરમિયાન વાદળો ઘેરા વચ્ચે વરસાદી માહોલથી કિસાનોમાં ચિંતા વ્યાપી હતી.

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં ગુરૂવારે બપોરના સમયે પડેલા ઝરમર વરસાદથી રોડ ભીંજાયો હતો. દરમિયાન યાત્રાધામ ડાકોરમાં અને ઠાસરા પંથકમાં 10 મિનિટ સુધી કમોસમી વરસાદ વરસતા માર્ગ પર પાણી ભરાયા હતા. જિલ્લાના અન્ય નગરો મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા, માતરમાં દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. હજુ આગામી બે દિવસ સુધી વરસાદી વાતાવરણની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.

વાદળો પગલે લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રીનો વધારો નોંધાયો
આણંદ કૃષિ હવામાન વિભાગના ડો મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે ચરોતરમાં આગામી 19 અને 20 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડશે. સામાન્ય વરસાદના થાય તો પાકને નુકસાનની કોઇ સંભાવના નથી. ગુરૂવારે મહત્તમ તાપમાન 28.05 અને લઘુતમ તાપમાન 23 ડિગ્રી અને ભેજ 54 ટકા નોંધાયો છે. બે દિવસ વાદળછાયા વાતાવરણ બાદ પુનઃ ઠંડીનો દોર શરૂ થશે.

ભારે વરસાદ પડે તો તમાકુના પાકને નુકસાનની ભીતિ
તમાકુ પકવતા વીણાના ખેડૂત ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે, હજુ સામાન્ય છાંટા પડ્યા છે, જે જોખમી નથી. જો વધારે વરસાદ પડે તો નુકસાન થાય. તમાકુના પાક માટે ઠંડક ફાયદાકારક છે. અને જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠંડક પ્રસરી છે તેનાથી તમાકુ ને ફાયદો થાય પરંતુ વધુ વરસાદ નુકસાનકારક નીવડે.

ભારે વરસાદ પડે તો શાકભાજી-તમાકુના પાકને નુકસાનો ભય
આણંદ જિલ્લા સહિત આંકલાવ સહિતના તાલુકાઓમાં એક બાજુ રોકડીયા પાક તરીકે ગણતા તમાકુના પાકની રોપણી શરૂ થઇ ચુકી છે ત્યારે અચાનક માવઠું થતા તમાકુ સહિત શાકભાજીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જો વધુ વરસાદ થાય તો ખેડૂતોએ કરેલા પાક જેવાકે તમાકુ/શાકભાજી સહિતના રવી વાવેતર પર જોખમથી ખેડૂતો ચિંતિત છે. > વિઠ્ઠલભાઇ પરમાર, ખેડૂત, આસોદર.

અન્ય સમાચારો પણ છે...