અમદાવાદ જિલ્લાના બરવાળામાં લઠ્ઠાકાંડ થયા બાદ દેશી અને વિદેશી દારૂના અડ્ડા પર પોલીસ દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ શુક્રવારે બપોરે આણંદ શહેરમાં દારૂ માટે કુખ્યાત એવી મહાવીર ઝૂંપડપટ્ટીથી 100 મીટર દૂરથી એક અજાણ્યા આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
જોકે, ઘટનાને પગલે શહેર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને મોડી સાંજે મૃતદેહને આણંદ શહેરની મિનિ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર ઘટના શહેરમાં વાયુવેગે ફેલાતાં પોલીસ દ્વારા ઢાંકપિછોડો કરવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા. જેને પગલે અજાણ્યા આધેડનું મૃત્યુ શાનાથી થયું છે તે બહાર આવી શક્યું નહોતું.
અત્રે એ નોંધનીય છે કે, મિનરવા ગેસ્ટ હાઉસ પાસેના એક ખાંચો કે જ્યાંથી મહાવીર ઝૂંપડપટ્ટી તરફ જવાય છે તે રોડ પર આવેલી એક સર્વોદય દુકાનના પગથિયાં પર સવારે સવા દસ વાગ્યે આધેડ બેસેલો સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. તેની પાસેે કોઈ અજાણ્યો શખસ પણ હતો. દરમિયાન, બપોરે ત્રણ ચાર વાગ્યા સુધી તે બેઠેલો હતો. એ પછી અચાનક તે ઢળી પડ્યો હતો. ઘટના બની એ પછી તેની સાથેના અજાણ્યો શખસનો કોઈ પતો મળ્યો નહોતો.
જોકે, ઝૂંપડપટ્ટીથી દૂર તે બેભાન હાલતમાં મળી આવતાં જ સ્થાિનકોએ તેના પર પાણી છાંટી તેને ભાનમાં લાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ન જાગતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરતાં તે મૃત હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેને પગલે તેના મૃતદેહને શહેરની મિનિ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેનું શનિવારે સવારે પોસ્ટમોર્ટમ કરાશે.
અફવા ફેલાવનારા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાશે
અજાણ્યો આધેડ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ તેના મોતનું કારણ જાણી શકાયું નથી. જોકે, સમગ્ર ઘટના બાબતે કોઈ ઈસમે દારૂ પીવાથી મૃત્યુ પામ્યો હોવાનું જણાવી અફવા ફેલાવી હતી. જેને પગલે હાલમાં અફવા ફેલાવનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. > યશવંતસિંહ ચૌહાણ, પીઆઈ, આણંદ શહેર પોલીસ સ્ટેશન.
મૃત્યુનું કારણ જાણવા કરતાં પોલીસને અફવા ફેલાવનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ઉતાવળ
પોલીસકર્મી અનિરૂદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હાલમાં તેના વાલી-વારસને શોધી રહ્યા છીએ. શનિવારે સવારે તેનું પીએમ કરાશે એ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. જોકે, સમગ્ર ઘટનામાં પોલીસની કાર્યવાહી જ શંકાના ઘેરામાં આવી ગઈ છે. કારણ કે, પોલીસે સ્થાનિકોને મીડિયાથી અંતર રાખવા ધમકાવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અફવા ફેલાવનાર વિરૂદ્ધ કાર્યવાહી જરૂરી છે, પરંતુ તેનાથી વધુ હાલના સંજોગોમાં જોતાં મૃત્યુનું કારણ જાણવું પણ એટલું જ જરૂરી છે. જોકે, મૃત્યુનું કારણ જાણવા કરતાં પોલીસને અફવા ફેલાવનારા વિરૂદ્ધ કાર્યવાહીની ઉતાવળ હોય તેવું સમગ્ર ઘટનાક્રમ પરથી જણાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.