પુત્રની નજર સામે જ પિતાનું મોત:આણંદ કાણીયા પાસે બેફામ ડમ્પરે પીકઅપ અને બાઇક ટક્કર મારી પિતા-પુત્રને કાંસમાં ફેંકી દીધાં

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખડાણાનો યુવક મિત્રને સાથે પિતાને લેવા આવ્યો હતો
  • બાઇક પાસે ઉભા તે દરમિયાન પાછળથી આવેલા ડમ્પરે હડફેટે ચડાવ્યાં

આણંદ જિલ્લાના માર્ગો પર કાળમુખા બની દોડતા ડમ્પરે વધુ એક જીંદગીનો ભોગ લીધો છે. પેટલાદના કાણીયા ગામના પાટીયા પાસે બાઇક લઇને પિતાને લેવા આવેલા યુવક અને તેના મિત્ર ઉપરાંત પીકઅપ ગાડીનો ચાલક ઉભો હતો. આ સમયે પુરપાટ ઝડપે ધસી આવેલા ડમ્પરે બન્ને વાહનોને હડફેટમાં લઇ સીધા કાંસમાં ફેંકી દીધાં હતાં. જેમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઘવાયેલા બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

દર્શન કરવા સાયલા ગયાં હતા
ખડાણા ગામના ચોરાવાળા ફળીયામાં રહેતા વિજયભાઈ પટેલ ગુરૂપૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા સાયલા ગયાં હતાં. જ્યાંથી તેઓ રાત્રે બસમાં પરત ફર્યાં હતાં. આ સમયે તેણે તેના પુત્ર દર્શકુમાર પટેલને ફોન કરી લેવા માટે કણીયા પાટીયા પાસે લેવા બોલાવ્યો હતો. આથી, દર્શ તેના મિત્ર ધ્રુવકુમાર બળવેદભાઈ ચૌહાણ (રહે.ખડાણા) સાથે બાઇક લઇને કણીયા પાટીયા પાસે ગયાં હતાં.

પીકઅપને પાછળથી ટક્કર મારી
આ દરમિયાન વિજયભાઈ ધર્મજ - તારાપુર હાઈવેના સર્વિસ રોડની સાઇડમાં કણીયા હનુમાનજી મંદિર પાસે ઉભા હતાં. આ સમયે બન્ને મિત્રો બાઇક પરથી ઉતરી ત્યાં ઉભા હતાં.તે જ સમયે એક બોલેરો પીકઅપ ગાડી પણ ત્યાં આવીને ઉભી રહી હતી. જેમાં એક માણસ નીચે ઉતર્યો હતો. આ દૃશ્યોની મિનિટોમાં જ એકાએક પાછળથી પુરપાટ ઝડપે ડમ્પર ધસી આવ્યું હતું અને સાઇડમાં ઉભેલા બોલેરો પીકઅપને પાછળથી જોશભેર ટક્કર મારી ઘસડ્યું હતું.

ત્રણેય કાંસમાં પડ્યાં હતા
બોલેરો પીકઅપ સીધું ઘસડાઇને વિજયભાઈ, દર્શ અને ધ્રુવ જ્યાં ઉભા હતાં ત્યાં ચડી આવ્યું હતું. જેમાં વિજયભાઈ અને ધ્રુવને ટક્કર મારી સીધું કાંસમાં પલ્ટી ખાઇ ગયું હતું. જેની સાથે વિજયભાઇ, ધ્રુવ અને બોલેરો પીકઅપમાંથી ઉતરેલો વ્યક્તિ ત્રણેય કાંસમાં પડ્યાં હતાં. આ જોઇને ચોંકી ગયેલા દર્શ તુરંત દોડ્યો હતો અને આસપાસમાં મદદ માટે બુમો પાડી હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ બુમાબુમના પગલે દોડી આવેલા સ્થાનિક રહિશોએ ત્રણેયને બહાર કાઢ્યાં હતાં અને તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં વિજયભાઈને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં. જ્યારે ધ્રુવ અને સુરેશ દેવજીભાઈ તળપદા (રહે.કણીયા)ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...