ઉમરેઠમાં પ્રતિષ્ઠીત ગણાતા ગાભાવાળા પરિવારને ભાલેજના રીઢા ગુનેગારે ધમકી આપી હતી. આ શખસ નવેક વર્ષ પહેલા બંધુક સાથે ગાભાવાળાના સહયોગ ટાઉનશીપમાં ઘુસી ગયો હતો. તે સમયે તેની સામે ગુનો નોંધી પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં વેપારીને ફસાવી દેવાની અને ગોળીથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરેઠના રજનીનગરમાં રહેતા શૈલેષકુમાર ચંપકલાલ ગાભાવાળા ધીરધારનો વેપાર કરે છે. જે ચોક્સી બજાર પંચવટી એસએલ ચોક્સી નામની દુકાન આવેલી છે. શૈલેષભાઈ ગાભાવાળા 2જી માર્ચ,23ના રોજ ચોક્સી બજાર પંચવાટી એસએલ ચોક્સી દુકાને હાજર હતા તે સમયે સવારના સવા દસેક વાગે યાસીન ઉર્ફે ગબલો અબ્દુલશા દિવાન (રહે. દિવાનવાળો ટેકરો, ભાલેજ) બાઇક લઇને આવ્યો હતો અને દુકાન આગળ બાઇક પાર્ક કરી દુકાન આગળ ઓટલા પર બેસી શૈલેષભાઈને ધમકાવતા જણાવ્યું હતું કે, તમે મને ઓળખો છો ? જેથી તેઓએ ના પાડી હતી. જેથી યાસીન ઉર્ફે ગબલો દિવાન વધુ રોફમાં આવી કહ્યું કે, આશરે નવેક વર્ષ ઉપર હુ તમારી સહયોગ ટાઉનશીપમાં હથિયાર સાથે પકડાયો હતો. તે હું પોતે યાસીન ઉર્ફે ગબલો દિવાન છું. તમે મારા કેસનો નિકાલ કરો નહિંતર હું તમને કોઇ ખોટા કેસમાં ફસાવી દઇશ. તેમ કહી અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં બાઇક લઇ જતો રહ્યો હતો. આ અંગે શૈલેષભાઈએ તાત્કાલિક ઉમરેઠ પોલીસને જાણ કરી હતી. જે સંદર્ભે પોલીસે યાસીન ઉર્ફે ગબલો અબ્દુલશા દિવાન (રહે. ભાલેજ) સામે ગુનો નોંધી વધુ તપાસ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યાસીન રીઢો ગુનેગાર છે. આણંદની વિદ્યા ડેરી પર થોડા સમય પહેલા સનસનાટીભરી 48 લાખની લૂંટ ચલાવી હતી.આ ઉપરાંત તે ઉમરેઠના ગાભાવાળાના કોમ્પ્લેક્સમાં પણ બંધુક સાથે ધસી ગયો હતો. આમ ગુનાહિત માનસિકતા ધરાવતા અને ગંભીર ગુનામાં સંડોવાયેલો યાસીન રીઢો ગુનેગાર હોવાથી તેની સામે કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.