આણંદ પાસેના રાસનોલ ગામ સ્થિત મકનપુરામાં બુટલેગરના ઘર પાસે બે શખસોએ મૂકેલી બંધ બોડીની ગાડીમાં, હેલ્મેટના ખોખાની આડમાં લાવેલો દારૂ ખંભોળજ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ બનાવમાં બે શખસોની ધરપકડ કરી, 3.73 લાખનો વિદેશી દારૂ સહિત 6.85 લાખનો મુદૃામાલ કબજે કર્યો હતો.
ખંભોળજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. જી. ચૌધરી સહિતની ટીમ રવિવારે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન, કુંજરાવ ચોકડીથી રાસનોલ તરફ જવાના રસ્તા પર રાતના પોણા નવ વાગ્યાની આસપાસ એક બંધ બોડીની ગાડી પુરપાટ ઝડપે નીકળી હતી. જોકે, ગાડી શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો કર્યો હતો.
દરમિયાન, પોલીસની ગાડી પાછળ આવતી જોઈને આગળ જઈ રહેલી ગાડીના ચાલકે ગાડી મકનપુરા રસ્તે લઈ જઈ એક મકાન આગળ પાર્ક કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં જ તેમાંનો એક શખસ ફરાર થઈ ગયો હતો. જોકે, બીજા શખસને પોલીસે ઝડપી પાડ્યો હતો. વધુમાં ગાડી જ્યાં પાર્ક થઈ હતી, તે મકાન વિષ્ણુ સુરેશ જાદવનું અને તેના વિરૂદ્ધ અગાઉ દારૂના ગુના નોંધાયા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે વિષ્ણુ ઉપરાંત ગાડીમાં સવાર બીજા એક શખસ અશ્વિન મનુ જાદવને ઝડપી ગાડીની તપાસ કરી હતી.
જેમાં શરૂમાં રૂપિયા 12 હજારની કિંમતના પાંચ હેલ્મેટના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં અલગ-અલગ કિંમતની રૂપિયા 3.73 લાખની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ, કન્ટેનર તથા હેલ્મેટના બોક્સ મળી કુલ રૂપિયા 6.85 લાખનો મુદૃામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.