કાર્યવાહી:પેટલાદ અને તારાપુરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે વેપારી ઝડપાયા

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા 4.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ જિલ્લામાં ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે ચાઈનીઝ દોરાના ફિરકા અને રીલ વેચી રહેલા નાના-મોટા વેપારીઓ પર પોલીસ દ્વારા દરોડો પાડીને સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને તારાપુર પોલીસ દ્વારા બે વેપારીઓને રૂપિયા 4.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પેટલાદ શહેરમાં લીમ્બાઇ કુઈ દરવાજા બહાર રહેતો અખ્તર સિકંદર વ્હોરા દાવલપુરા ગામે રહેતા ગિરવતભાઈ ઓતમભાઈ પટેલની તમાકુની ખળીમાં આવેલા ગોડાઉનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દાવલપુરા ગામે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂપિયા 4.51 લાખની કિંમતની ચાઈનીઝ દોરી ભરેલા 92 નંગ કાર્ટુન મળી કુલ 4512 નંગ ફિરકી કબજે લીધી હતી.

પોલીસે સ્થળ પરથી પેટલાદના અખ્તર વ્હોરાને ઝડપી પાડ્યો હતો અને દોરી ક્યાંથી લાવ્યો હતો અને કોને આપતો હતો તેની પૂછપરછ હાથ ધરી છે. એ જ રીતે બીજી તરફ તારાપુર મુખ્ય બજારમાં દરોડો પાડી તારાપુર પોલીસે રૂપિયા 750ની કિંમતના પાંચ નંગ ફિરકા સાથે તારાપુર રાણા ચોકડી પાસેથી નીરવ બાબુ રાણાને ઝડપી પાડી તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજમાં ચાઈનીઝ દોરીની હેરાફેરીમાં 2 ઇસમ ઝડપાયા
ઉતરાયણનો તહેવાર નજીક આવતા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો વધી રહ્યો છે. ત્યારે જિલ્લામાં વધુ એક તાલુકામાં બે ઈસમો ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ કપડવંજ પોલીસ ઉતરાયણના તહેવારને ધ્યાને રાખી પેટ્રોલિંગમાં હતી ત્યારે બે ઈસમો ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમી આધારીત સોનીપુરા પાટીયા આગળ હાઈવે પર બે ઈસમો મીણિયાની કોથળી લઈને ઉભા દેખાયા હતા.

પોલીસને જોઈ કોથળી છુપાવવાનો પ્રયાસ કરતા પોલીસને બાતમીવાળા ઈસમો હોવાનું જણાતા બંનેને ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ કરતા રાહુલકુમાર મંગ‌ળભાઈ સોઢા (રહે. આલમપુરસ, કપડવંજ) અને દીપકકુમાર કનુભાઈ હરીજન (રહે. સોનીપુર, કપડવંજ) હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે તેમની પાસેથી 5 હજાર વારના 41 ટેલર જેની કિંમંત 12,300 ગણી કબ્જે લીધા હતા. તેમજ બંને ઈસમો વિરુદ્ધ કપડવંજ ટાઉનમાં ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જાનલેવા ચાઈનીઝ દોરી સામે વેપારીઓ સામે માત્ર જાહેરનામા ભંગનો જ ગુનો ?
આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા છેલ્લાં દસેક દિવસથી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરાયું છે. પોલીસે દસથી વધુ વેપારીઓને જાનલેવા ચાઈનીઝ દોરીઓના ફિરકા વેચતા અને રાખતા હોય તે રીતે ઝડપી પાડ્યા છે. નોંધનીય છે કે, પેટલાદ ખાતે ગત 14મી ડિસેમ્બરે એક આધેડનું મોત નીપજ્યું હતું. આમ, ચાઈનીઝ દોરી જીવલેણ સાબિત થઈ હતી. જોકે, જાનલેવા ચાઈનીઝ દોરી વેચતા આવા તત્વો સામે પોલીસ દ્વારા માત્ર જાહેરનામા ભંગનો જ ગુનો નોંધવામાં આવે છે અને તેમને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન આપી છોડી દેવામાં આવે છે ત્યારે આવા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...