દાદગીરી:આણંદ કોંગી ધારાસભ્યના બે પુત્રોએ બાઇક ચાલક પર હુમલો કરતા ફરિયાદ નોંધાઇ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓવરટેક મામલે ઝઘડો કરી લાકડીના દંડાથી મારમારી લોહીલુહાણ કરી મુક્યો

આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના બે પુત્ર રણજીત અને મહેન્દ્રએ ઓવરટેક મામલે બાઇક ચાલક સાથે ઝઘડો કરી તેને રોકી લાકડીથી માર મારી લોહી લુહાણ કરી મુક્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેણે ધારાસભ્યના બન્ને પુત્ર સામે ફરિયાદ આપતા આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

આણંદના વાંસખીલીયા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા જગદીશ રાવજીભાઈ પટેલ (ઉ.વ.61) 1લી જૂનના રોજ સાંજે બાઇક પર અંધારીયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. આ સમયે તેમની પાછળ કારમાં આણંદ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના પુત્ર રણજીત અને મહેન્દ્ર ગાડી લઇને નિકળ્યાં હતાં. જોકે, કોઇ કારણસર તેઓ જગદીશની બાઇકની ઓવરટેક કરવા કોશિષ કરી હતી. પરંતુ ઓવરટેક કરી શક્યાં નહતાં. આ દરમિયાન અંધારીયા ચોકડી પાસે જગદીશને આંતરી તેમને રોક્યા હતા. બાદમાં રણજીત, મહેન્દ્ર અને ગાડીના ચાલકે લાકડી અને દંડાથી મારમારી જગદીશને ગંભીર ઇજા પહોંચાડી લોહી લુહાણ કરી મુક્યો હતો.

આ હુમલામાં ઘવાયેલા જગદીશને તાત્કાલિક સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે જગદીશે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે રણજીત, મહેન્દ્ર અને ગાડીના ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...