આણંદ શહેરની નવરચના સોસાયટીમાં રહેતા બે ભાઇઓએ વ્યાજ વટાવ ક્ષેત્રે હાહાકાર મચાવી દીધા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. આ બન્ને ભાઈઓએ 10 ટકા જેવુ વ્યાજ વસુલ્યા બાદ તોતિંગ રકમ બાકી કાઢી દેણદાર પાસેથી કોરા ચેક લખાવી તેમને બ્લેકમેઇલીંગ કરતાં હતાં. આ બન્ને સામે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદની રેલવે કોલોનીમાં રહેતા ગોવિંદભાઈ વીરાભાઈ મકવાણા પોસ્ટમાં પોટર તરીકે નોકરી કરે છે. તેઓને ચાર વર્ષ પહેલા દિવાળીના તહેવારમાં આર્થિક સંકડામણ ઉભી થતાં તેઓએ રૂ.50 હજાર તેમની સાથે નોકરી કરતા ઇકબાલહુસેન શેખ પાસેથી 10 ટકા વ્યાજે લીધાં હતાં. આ સમયે તેઓએ સહિવાળો કોરો ચેક પણ લીધો હતો. ગોવિંદભાઈએ છ મહિના સુધી દર મહિને રૂ.5 હજાર લેખે રૂ.30 હજાર જેવી રકમ આપી હતી. જ્યારે બાકીના રૂ.20 હજારનું પણ બે હજાર વ્યાજ ચુકવ્યું હતું. જોકે, બે વર્ષ પહેલા ઇકબાલ ગુજરી જતાં તેમના દિકરા ઇમરાન અને આરીફે રૂ.20 હજારનું વ્યાજ વસુલવાનું શરૂ કર્યું હતું.
જોકે, ગોવિંદભાઈનો પુત્ર હિરેન રૂ.20 હજાર લઇને રેલવે ગોદી નજીક કપડાની દુકાને ઇમરાન અને આરીફને આપવા ગયો હતો. પરંતુ બન્નેએ રૂ.20 હજાર નહીં વધુ રકમ આપવી પડશે. તેમ કહ્યું હતું. બાદમાં સહિવાળો ચેકમાં રૂ.1.90 લાખ ભરીને બેંકમાં નાંખી દીધો હતો. જે રિટર્ન થતાં જીટોડીયા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. વ્યાજખોર ઇમરાન અને આરીફ ન્યાયધિશ સામે સમાધાનની વાત કરતાં હતાં અને બહાર આવીને ગોવિંદભાઈ પાસે મોટી રકમની માંગણી કરવા લાગ્યાં હતાં. તેઓએ 1.90 લાખનું દસ ટકા વ્યાજ માંગવા લાગ્યાં હતાં. તેઓએ ગોવિંદભાઈને તમારી નોકરી જતી રહેશે. તમારે જેલમાં જવું પડશે. તેવી ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરતાં હતાં. આ બન્ને વ્યાજખોર ભાઈએ ગોવિંદભાઈ ઉપરાંત પોસ્ટમાં નોકરી કરતાં અરવિંદભાઈ શંકરભાઈ વાઘેલાને પણ રૂ.20 હજાર સામે 10 ટકા વ્યાજ વસુલતા હોવા છતાં રૂ.1.65 લાખ ચેકમાં ભરી બાઉન્સ થતાં કોર્ટમાં કેસ કર્યો હતો. તેવી જ રીતે મેલસીંગ અશોકભાઈ વસાવા (રહે. પાધરિયા)ને પણ ત્રણ વર્ષ પહેલા રૂ.50 હજાર 10 ટકા વ્યાજે આપ્યા બાદ તેમના કોરા ચેકમાં રૂ.2.50 લાખ ભરી કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી.
આમ ઇમરાન ઇકબાલ શેખ અને આરીફ ઇકબાલ શેખ (બન્ને રહે. નવરચના સોસાયટી, આણંદ) પોસ્ટના ત્રણ કર્મચારી પાસેથી લાખો રૂપિયા વ્યાજપેટે પડાવ્યાં હોવા છતાં પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતાં હતાં. આ અંગે શહેર પોલીસે બન્ને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.