અકસ્માત:આણંદના બેડવા ઓવરબ્રિજ પર કાર અને રીક્ષા અથડાતા બે લોકોના મોત, કારનો ચાલક ફરાર

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્ન સમારંભમાં કેટરીંગનું કામ કરી પરત ફરી રહેલા લોકોને રસ્તામાં મોત મળ્યું

આણંદ પાસે આવેલા બેડવા ઓવરબ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. બેડવા બ્રિજ પર પુરપાટ ઝડપે ધસી આવેલી ઇક્કો કારના ચાલકની બેદરકારીના કારણે રીક્ષા હડફેટે ચડી જતાં કરૂણાંતિકા સર્જાઇ હતી.આણંદ રૂરલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના રાસનોલ ગામે રહેતા વિજય મનુભાઈ પરમાર કેટરીંગનું કામ કરે છે. તેમને ચિખોદરાની પટેલવાડીમાં લગ્ન સમારંભમાં કેટરીંગનો ઓર્ડર મળ્યો હતો. આથી, તેઓ ગામના ચારેક લોકોને લઈને ચિખોદરા ગયા હતા. કેટરીંગનો ઓર્ડર પતાવી શનિવારની મોડી રાત્રે રીક્ષામાં સાથી કર્મચારીઓ સાથે નીકળ્યાં હતાં. તેઓ બેડવા બ્રીજ ઉતરી રહ્યાં હતાં, તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવેલી કાર નં.જીજે 23 સીબી 9329ના ચાલકની બેદરકારીના કારણે કાર અને રીક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કિશન પ્રવિણભાઈ સોલંકી, હિતેશ લક્ષ્મણભાઈ સોલંકીને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે કિરીટ કાંતિભાઈ સોલંકી તથા મહેન્દ્ર લાલજીભાઈ સોલંકી (રહે.રાસનોલ)ને ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ કારનો ચાલક કારને મૂકી ફરાર થઈ ગયો હતો.આણંદ રૂરલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...