નવજાત બાળકોને નવજીવન:કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં શ્વાસની તકલીફ ધરાવતા બે શિશુઓને નવજીવન અપાયું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોઅધૂરા માસે જન્મેલા હોવાથી સમસ્યા સર્જાઇ હતી
  • દોઢ મહિના સુધી વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો

કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા અને ઓછું વજન ધરાવતા બે બાળકોને નવજીવન આપવામાં આવ્યું હતું. આ બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. જેથી 45 દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ હેઠળ રાખવામાં આવ્યાં હતાં. જ્યાં ડો. રેશ્મા પૂજારા દ્વારા દેખરેખ રાખવામાં આવતી હતી. અલબત્ત, પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાને લઇ હોસ્પિટલ દ્વારા સારવારનો તમામ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો.

તારાપુરના વતની મીનાબહેન 28મા અઠવાડિયે એક કિલો વજનના બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકના જન્મતાં જ શ્વાસ લેવામાં તકલીફ હતી. પરંતુ સંયુક્ત પરિવારમાં મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા તેમના પતિ સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહતાં. જેથી બાળકની સારવારનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને બાળકની સઘન સારવાર નવજાત શિશુના આઈસીયુમાં પુરી પાડવામાં આવી હતી. મીનાબહેનને ગર્ભાવસ્થા દરમિયાન બ્લડ પ્રેસર રહેતું હતું, હિમોગ્લોબિન પણ ખૂબ જ ઓછું હતું. જેથી ડિલિવરી સમયે મોટી માત્રામાં રક્ત અને રક્તના ઘટકો ચઢાવવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત ખંભાતના ફાલ્ગુનીબહેન ખારવાએ 33 અઠવાડિયામાં અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. જન્મબાદ બાળક રડ્યું નહતું તથા શ્વાસ લેવામાં તકલીફ હતી. જેથી બાળકને નવજાત શિશુના આઈસીયુમાં દાખલ કરી સારવાર પુરી પાડવામાં આવી હતી. છૂટક મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન કરતા તેમના પતિ સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી શકે તેમ નહતાં. જેથી હોસ્પિટલની આશીર્વાદ યોજના અંતર્ગત રાહતદરે સારવાર પુરી પાડવામાં આવી હતી.

બાળકને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી માતાનું ધાવણ પણ લેવામાં અસક્ષમ હતું. જેથી બાળકનું વજન વધે તે માટે કાંગારૂ મધર કેર હેઠળ સઘન સારવાર આપવામાં આવી હતી અને બાળકના વજનમાં વધારો થતાં તબિયત સુધરી હતી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...