નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા:આણંદના સામરખામાં ગાડી પાર્ક કરવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી, એક બીજા પર લાકડી અને પાઈપથી હુમલો કર્યો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ હુમલામાં કેટલાકને ઈજા પહોંચી, પોલીસે બન્ને પરિવારના સભ્યો સામે ગુનો નોંધ્યો

આણંદના સામરખા ગામમાં આવેલા સદાનાપુરામાં ગાડી પાર્ક કરવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જેમાં બન્ને પરિવારોએ એક બીજા પર લાકડી અને પાઇપથી હુમલો કરતાં કેટલાકને ઇજા પહોંચી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે બન્ને પરિવાર સામે ગુનો નોંધ્યો હતો.
અપશબ્દ બોલી ગડદાપાટુનો માર માર્યો
સામરખાના સદાનાપુરામાં રહેતા રમણ બેચરભાઈ તળપદાના પરિવારજનો 22મી જુલાઇની સાંજે ઘરના આંગણામાં બેઠા હતાં, તે વખતે ચંદુ મહીજી તળપદા, જયંતિ મેલા તળપદા, કાભઇ ભગત તળપદા, વિશાલ જયંતિ તળપદા ધસી આવ્યાં હતા અને કૈલાસબહેનના વાળ પકડી ગાડી પાર્ક કરવા બાબતે અપશબ્દ બોલી ગડદાપાટુનો મારમારવા લાગ્યાં હતાં. આ ઉપરાંત રમણની કારને લાકડાના દંડા, લોખંડની પાઇપ મારી કાચ તોડી નુકસાન કર્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ચંદુ મહીજી, જયંતિ મેલા તળપદા, કાભઇ ભગત તળપદા, વિશાલ જયંતિ તળપદા સામે ગુનો નોંધ્યો હતો.
ગાડી પાર્ક કરવા બાબતે હુમલો
સામાપક્ષે જયંતિ તળપદાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શાંતાબહેન ઘરે હતા, તે સમયે રમણ બેચર તળપદા, મીનાબહેન રમણ, સુરેશ ઉર્ફે લાલો રાવજી, ગૌરાંગ સુરેશ ઉર્ફે લાલો (રહે.ગુતાલ) ધસી આવ્યાં હતાં અને ગાડી પાર્ક કરવા બાબતે અપશબ્દ બોલી હુમલો કર્યો હતો. જોકે, શાંતાબહેને બુમાબુમ કરતા આસપાસના લોકો ધસી આવ્યાં હતા અને મારથી બચાવ્યાં હતાં. જતાં જતાં આ શખસોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે રમણ, મીનાબેન, સુરેશ ઉર્ફે લાલો અને ગૌરાંગ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...