ઉમરેઠના અહિમા ગામે નજીક નજીક રહેતા બે પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ થયો છે. જેમાં એક પરિવારનો પુત્ર જામીન પર છુટી ઘરે આવતા ફરી બન્ને પરિવાર બાખડ્યાં હતાં. જેમાં લાકડીથી સામસામે હુમલો કરતાં ચારેક વ્યક્તિ ઘવાયાં હતાં. આ અંગે પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અહિમા ગામે રહેતા ચંદ્રસિંહ નરવતસિંહ ચૌહાણને તેમના પડોશમાં રહેતા સુરપાલસિંહ ચૌહાણ સાથે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ બન્યો હતો. જેમાં રવિવારના રોજ ચંદ્રસિંહ બપોરના ઘરે હતાં તે સમયે સુરપાલસિંહ તથા તેમના પત્ની ગીતાબહેન, તેમનો ભાઇ કરણ, જ્યોત્સનાબહેન અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. તમારા છોકરાને કેમ ઘરે લાવ્યાં છો? તેમ કહેતાં જણાવ્યું હતું કે, કોર્ટમાંથી જામીન આપ્યાં છે. જેથી ઘરે લાવ્યા છીએ. જેથી ચારેય શખ્સ વધુ ઉશ્કેરાઇ ગયાં હતાં અને લાકડી લાવી હુમલો કર્યો હતો. જેમાં ચંદ્રસિંહ, તેમના પત્ની સવિતાબહેન, લલીતાબહેન, મંગુબહેનને ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસે સુરપાલસિંહ બળવંતસિંહ ચૌહાણ, ગીતાબહેન, કરણ અને જ્યોત્સનાબહેન સામે ગુનો નોંધ્યો હતો.
સામાપક્ષે બળવંતસિંહ ચૌહાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચંદ્રસિંહના પુત્ર સામે કરેલી ફરિયાદના પગલે અણબનાવ ચાલે છે. જેના પગલે તેમના પરિવાર દ્વારા રવિવારના રોજ લાકડીથી હુમલો કરવામાં આવ્યાં હતો. જેમાં પરિવારજનોને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં બન્ને પરિવારમાં ઘવાયેલા સભ્યોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે પોલીસે ચંદ્રસિંહ નરવતિંસહ ચૌહાણ, જીતેન્દ્રસિંહ, સવિતાબહેન અને લલીતાબહેન સામે ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.