એક્સપ્રેસ વે પર પથ્થરમારાનો કેસ:ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ અગાઉ પણ હાઈવે પર પથ્થરમારાની ઘટના બની હોવાનો ઘટસ્ફોટ

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સામરખા સીમ પાસે એક્સપ્રેસ હાઈવે પર ચાર કાર અને ત્રણ ટ્રક પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસ સક્રિય
  • ચકલાસી પોલીસની નિષ્ક્રિયતાને પગલે તોફાની કે લૂંટારૂં તત્વોને ફરી મોકળું મેદાન મળતાં ભયનું વાતાવરણ સર્જયું

આણંદ પાસેથી પસાર થતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર મંગળવારે રાત્રિના સમયે અજાણ્યા ત્રણેક જેટલાં ઈસમોએ સાતેક જેટલાં રનીંગ વાહનો પર પથ્થરમારો કરી તેના કાચ તોડી નાંખી ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.

આ બનાવને પગલે મોડી સાંજે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જોકે, બીજી તરફ સમગ્ર બનાવમાં તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે, ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં બે દિવસ અગાઉ આ જ પ્રકારે ઘટના બની હતી. પરંતુ ચકલાસી પોલીસની નિષ્ક્રિયતાને કારણે તેમાં કોઈ ફરિયાદ ન લેવાતાં તોફાની કે લૂંટારૂં તત્વોને મોકળું મેદાન મળ્યું હતું.

આ અંગે વાત કરતા આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજયાને જણાવ્યું હતું કે, સામરખા પાસેની હદના વિસ્તારમાં મંગળવારે બનેલી ઘટનાને પગલે આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા તુરંત જ હાઈવે ઓથોરીટીના કર્મચારી સાગર સૂર્યકાંત પટેલ (રહે. લવાલ, ખેડા) ની ફરિયાદ લઈ ત્રણ અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મંગળવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં ચેનલ નંબર 56 પાસે ચાર કાર અને ત્રણ ટ્રક સહિત સાત રનીંગ વાહનો ઉપર અજાણ્યા ત્રણ શખસોએ પથ્થરમારો કરતાં વાહનોના કાચ તુટી ગયા હતા. અને વાહન ચાલકો તેમજ તેમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈને ઈજા કે કોઈ અકસ્માત થયો ન હતો. પરંતુ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે, બે દિવસ અગાઉ રાત્રિના સમયે આ જ પ્રકારે પથ્થરમારાની ઘટના બની હતી. જોકે, ચકલાસી પોલીસ દ્વારા આ મામલે કોઈ પ્રકારની કાર્યવાહી કરાઈ નહોતી.

ટીમ બનાવી તપાસ હાથ ધરાઈ છે
સમગ્ર બનાવમાં હાલમાં પોલીસ સ્ટેશન વાઈઝ અલગ-અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આ‌વી રહી છે. સીસીટીવી ફૂટેજ ઉપરાંત બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે. જોકે, આ ઘટનામાં આસપાસના સ્થાનિકો દ્વારા ટીખળ કરવામાં આવી છે કે ખરેખર લૂંટને અંજામ આપવા માટે જ પથ્થરમારો કરાયો હતો તે દિશામાં પણ તપાસ કરી રહ્યા છે.> વિજયભાઈ પુરોહિત, પીએસઆઈ, આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન.

અન્ય સમાચારો પણ છે...