ગાયો બચાવાઇ:આણંદમાં કતલ માટે લાવવામાં આવેલી બે ગાયોને બચાવાઇ, ગૌરક્ષકની ટીમે પોલીસને સાથે રાખી ગાડી પકડી પાડી

આણંદ20 દિવસ પહેલા
પ્રતીકાત્મક ફાઈલ તસ્વીર
  • શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયો બચાવી લેવાઇ
  • ​​​​​​પોલી​સ છાપેમારીની ગંધ આવી જતાં ગૌ તસ્કર ગાડી મૂકી ફરાર

આણંદમાં બહુમતી ધાર્મિક લોકોની લાગણી દુભાય અને ગૌ રક્ષા કાયદાનો ભંગ થાય તેવી ગુનાહિત પ્રવૃતિઓ ચાલી રહી છે. સરકારી તંત્ર આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા ગુનેગારોને શહેર જિલ્લામાંથી નષ્ટ કરવા કરે તેવી લોકમાંગ ઉભી થઇ છે. આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર કતલ માટે લાવવામાં આવેલી બે ગાયને ગૌરક્ષકોની જાગૃતિના પગલે બચાવી લેવામાં આવી હતી. ગૌરક્ષકોને પોલીસને સાથે રાખી સ્થળ પર કાર્યવાહી કરી હતી. જેમાં એક ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી બે ગાય મળી આવી હતી. જોકે, આ ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેરના ગૌરક્ષા દળ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ રાજપૂતના બાતમી મળી હતી કે, બોલેરો ગાડી નં.(GJ-7-YY-8220)માં બે ગાયને કતલ માટે લઇ જવામાં આવી રહી છે. તેઓએ આ અંગે આણંદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.સી.નાગોલ સહિતની ટીમે સોમવાર વ્હેલી સવારે 6-30 વાગ્યે ગૌરક્ષકોને સાથે રાખી પોલસન ડેરી રોડ પર ખાટકીવાડા પાકીજા, ચીકન શોપની પાછલ ગલીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગાડીમાં એક લાલ કલરની તથા એક કાળા કલરની ગાય જે બન્નેની ઉંમર આશરે (ઉ.વ.4 -) વર્ષ જેના પગ તથા માથુ દોરડા વડે ક્રુરતાભરી રીતે બાંધેલી હાલતમાં હતા તેમજ ગાડીમાં કોઇ ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા ન હતી તેવી દયાજનક સ્થિતિમાં મળી આવી હતી.

મહત્વનું છે કે, પોલીસ છાપેમારીની ગંધ આવી જતાં ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસ પહોંચી તે સમયે ગાડી પડી હતી. ગાડીમાં તપાસ કરતાં તેમાં બે ગાયને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળી હતી. પોલીસે બન્ને ગાયનો કબજો લઇ તપાસ કરતાં આસપાસમાં કોઇ મળી આવ્યું નહતું.

હાલ અજાણ્યા શખસ સામે ગુનો નોંધી ગૌવંશના કતલના સમગ્ર નેટવર્કના પર્દાફાશ કરવા તપાસ હાથ ધરી છે.આ કેસમાં મળી આવેલ એક ગાયની કિંમત 5 હજાર લેખે બન્ને યોની કુલ કિંમત 10 હજાર અને સદર ગાડીની આગળ પાછળની નંબર પ્લેટ જોતા રજી. નં. (GJ-07-YY-8220)નો લખેલ હતો જેની આશરે કીમત રૂ 2 લાખ 50 હજાર સહિત જે ઉપરોક્ત તમામ મુદ્દામાલની કુલ કીમત રૂ.2 લાખ 60 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. આ કેસમાં પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે સ્થાનિક અગ્રણી અને ગૌપ્રેમી અલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગૌ વંશની કત્લ અને તેનો વેપાર હકીકતે આ એક સૌથી મોટુ ગેરકાયદેસર વ્યાપારિક નેટવર્ક છે તેવું સાબિત થઈ ચૂક્યું છે. આવી નાની મોટી ગુનેગારી કરતા ઈસમો સિસ્ટમની નબળાઈનો લાભ લઇ મોટા ગુનેગાર બનતા હોય છે. જ્યારે ગૌ રક્ષાનું કામ કરતા યુવાનો પોતાના ધંધા રોજગારીના જોખમે આ ગુનાહિત અને અધાર્મિક પ્રવૃતિઓ અટકાવવા મેદાને પડયા છે.સરકારે ગૌ વંશની કત્લ અને ગેરકાયદેસર હેરાફેરી ઉપર સખ્ત અને ઝડપી કાર્યવાહી કરવા આદેશ કરવા જોઈએ જેથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ આવી શકે.

અન્ય સમાચારો પણ છે...