સામસામે ફરિયાદ:તારાપુરના દુગારીમાં ઝેરી કુવેચ ખાતા બે ભેંસનું મોત, ખેડૂત અને ભરવાડ વચ્ચે માથાકૂટ થઇ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષોએ સામસામે આક્ષેપબાજી કરી ફરિયાદ નોંધાવી

તારાપુર તાલુકાના દુગારી ગામે ઝેરી કુવેચ ખાતા બે ભેંસોના મોત થતાં તેમજ અન્ય ભેંસોને અસર થતાં આ મુદ્દે ભરવાડો અને ખેતર માલિક વચ્ચે ધીંગાણું થયું હતું. ભરવાડો ઘરમાં ઘૂસી રોકડની ચોરી કરી ગયા તો સામે પક્ષે ફાયરિંગ કરી મારી નાખવાની ધમકી આપી હોવાની આક્ષેપબાજી કરી બન્ને પક્ષોએ સામસામે ફરિયાદો દાખલ કરતા તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિતેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ રસિકભાઈ પરમારે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે રાત્રીના સાડા આઠેક વાગ્યાના સુમારે ઘરે હિસાબ કરી રહ્યા હતા ત્યારે સહદેવ ભીમાભાઈ ભરવાડ, કનુ બબાભાઈ ભરવાડ, સાદુડ ભીમાભાઈ ભરવાડ, ધીરૂ કનુભાઈ ભરવાડ, વાઘા સાદુડભાઈ ભરવાડ, બચુ ભરવાડ, મહેશ બચુભાઈ ભરવાડ, કાશી ભીમાભાઈ ભરવાડ અને ભીમા બબાભાઈ ભરવાડ સહિત ત્રીસેક જેટલા ભરવાડોનું ટોળુ આવી પહોંચ્યું હતુ અને હિતેન્દ્રસિંહે કુવેચમાં ઝેર ભેળવી દેતા અમારી ગાયો ભેંસો બિમાર પડી ગઈ છે તેમ જણાવીને ઘરના બારી-બારણા, એસીના આઉટડોરને લાકડીઓ મારીને નુકશાન પહોંચાડ્યું હતુ. હિસાબ કરી રહેલા હિતેન્દ્રસિંહ તેમજ પરિવારના સભ્યો બીજા ઘરે જઈને સંતાઈ ગયા હતા. દરમિયાન ભરવાડોએ ઘરમાં પ્રવેશ કરીને હિસાબના 32 હજાર 600 રૂપિયા પણ લઈ ગયા હતા.

સામા પક્ષે સુરેશ ભીમાભાઈ ભરવાડે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ મહેન્દ્ર ઉર્ફે ટીના જટુભાઈ પરમારના ખેતર પાસેથી ભુરા બાવળ સીમ વિસ્તારમાં ગાયો-ભેંસો ચરાવવા માટે જાય છે. જે અંગે અવાર-નવાર મહેન્દ્ર ઉર્ફે ટીનાએ રોકટોક કરીને અહીંયાથી નહીં જવાનુ જણાવ્યું હતુ. ગત 7મી તારીખના રોજ તેઓ ગાયો-ભેંસો લઈને સુરેશભાઈ ચરાવવા માટે જઈ હતા. જે દરમિયાન મહેન્દ્રભાઈના ખેતર નજીક બહાર પડેલું ઝેરી કુવેચ ભેંસોએ ખાતા બે ભેંસોના મોત થયા હતા. જ્યારે બેને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

આ અંગે ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે ઠપકો કરવા જતાં મહેન્દ્ર અને ગોપાલે ગમે તેવી ગાળો બોલીને લાકડીઓ લઈ આવી મારવા ફરી વળ્યા હતા અને ફાયરિંગ કરીને મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરી છે. આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...