બોગસ ડોક્ટર:બોરસદના કાળુ ગામમાંથી બે બોગસ ડોક્ટર ઝડપાયા, , પોલીસે દરોડો પાડી 12 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને બોગસ ડોક્ટર મુળ બંગાળના રહેવાસી નીકળ્યા

બોરસદના કાળુ ગામે વિરસદ પોલીસે દરોડો પાડી બે બોગસ ડોક્ટરને પકડી પાડ્યાં હતાં. આ બન્ને ડોક્ટર પાસેથી પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ.12 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વિરસદ પોલીસને બાતમી મળી હતી કે, દિલ્લીચકલા અને કાળુ ગામે દવાખાના ચાલે છે, જેમાં સારવાર આપનારા ડોક્ટર બોગસ છે. આ બાતમી આધારે વિરસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ગુંજન કે. જાદવને સાથે રાખી 10મી મેના રોજ સાંજે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં દિલ્હી ચકલામાં ડો. તાપોશ બિસ્વાસના દવાખાને દરોડો પાડ્યો હતો. જ્યાં તાપોશની પુછપરછ કરતાં તે બોરસદના કાંધરોટી ગામે રહેતો હોવાનું અને મુળ બંગોળનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેની પાસે ડોક્ટર તરીકેની જરૂરી ડિગ્રી માંગતા તે આપી શક્યો નહતો.

આમ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હોવાનું ખુલ્યું હતું. તેના દવાખાની તપાસ કરતાં વિવિધ દવાઓ મળી આવી હતી. આથી, તેની સ્થળ પર અટક કરી રૂ.10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત દિલ્હી ચકલાથી નિકળી કાળુ ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં ડો. અનિમેશ અશોક પુનીલ મૈત્રા (મુળ રહે. બંગાળ) મળી આવ્યો હતો. તેની પાસે પણ ડોક્ટર અંગેનું કોઇ પ્રમાણપત્ર નહતું. આથી, પોલીસે દવાનો જથ્થા સહિતનો મુદ્દામાલ કબજે કરી તાપોશ અને અનિમેશ સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...