યુવકને કાળ આંબી ગયો:બેડવા પાસે બે બાઇકની સામસામે ટક્કર થતા અકસ્માત, બાઈકમાં સવાર પિતરાઈ ભાઈઓ રસ્તા પર ફંગોળાતા એકનું મોત

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભોળજ પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો

આણંદના બેડવા ગામે રહેતા 17 વર્ષિય વિદ્યાર્થી પોતાના પિતરાઇ સાથે બાઇક પર નિકળ્યો હતો. તે દરમિયાન ધોરી માર્ગ પર રોંગ સાઇડે આવેલા અન્ય બાઇક ચાલકે ટક્કર મારતાં વિદ્યાર્થીનું મોત થયું હતું. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
બેડવા ગામે જોગણી માતાના ફળીયામાં રહેતાં ભરત રમણભાઈ ડાભીનો પુત્ર મનોજ (ઉ.વ.17) સેલ્વેશન આર્મી સ્કૂલમાં ધો.11માં અભ્યાસ કરે છે. તે 21મી જૂલાઇના રોજ રાતના દૂધ મંડળીએ દૂધ ભરીને ઘરે આવ્યા બાદ ગામમાં જઇને આવું છું, તેમ કહી ઘરેથી નિકળ્યો હતો. થોડી મિનિટમાં જ ભરતભાઈને જાણ થઇ કે મનોજને સારસા રોડ પર અકસ્માત થયો છે. આથી, તેઓ તુરંત અકસ્માત સ્થળે પહોંચ્યાં હતાં. જ્યાં મનોજને સારવાર માટે લઇ ગયાને જાણ થતાં તેઓ કરમસદ હોસ્પિટલ પર પહોંચ્યાં હતાં.
બન્ને બાઈક ધડાકાભેર અથડાય
આ અકસ્માત અંગે ભરતભાઈએ પુછપરછ કરતાં તેના કુટુંબી ભત્રીજા ચિરાગ રાજુભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, મનોજ સાડા આઠેક વાગ્યાના અરસામાં રણજીત મફતભાઈ ડાભીનું બાઇક લઇને આવ્યો હતો અને સારસા ચોકડીએ જઇને આવીએ છીએ. તેમ કહેતાં બન્ને બાઇક પર નિકળ્યાં હતાં. બેડવાથી સારસા તરફ તપોવન ફાર્મ નજીકથી પસાર થતાં હતાં તે સમયે એક બાઇકવાળો પુરપાટ આવી ધડાકાભેર અથડાયો હતો. જેમાં બંને પિતરાઇ ભાઇ રસ્તા પર પટકાયાં હતાં. જેમાં મનોજને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે, મનોજનું બીજા દિવસે મૃત્યું નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માત સર્જનાર બાઇક નં.જીજે 7 સીપી 7953ના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
​​​​​​​​​​​​​​સારવારનો ખર્ચ વધુ આવતા પુત્રને બેભાન હાલતમાં જ ઘરે લઈ ગયા
​​​​​​​
બેડવા ગામે રહેતા ભરતભાઈ ડાભી મજૂરી કરી જીવન ગુજારે છે. તેમના દિકરા મનોજ (ઉ.વ.17)ને બાઇક અકસ્માત થતાં સારવાર માટે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સ્થિતિ ગંભીર બનતાં આઈસીયુમાં રાખવો પડ્યો હતો. જોકે, આ સમયે હોસ્પિટલ દ્વારા ભરતભાઈ પાસે સારવાર માટે અઢી લાખનો ખર્ચ માંગ્યો હતો. જે રકમ ભરતભાઈ ચુકવી ન શકતાં તેઓ પુત્રને અન્ય હોસ્પિટલમાં સારવાર અપાવવા માટે બેભાન હાલતમાં જ ઘરે લઇ ગયાં હતાં. જ્યાં વ્હેલી સવારે તેનું મૃત્યુ નિપજ્યું હતું. કરૂણતાની વાત એ છે કે, મનોજને અકસ્માત થતાં પ્રથમ સારસા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ કોઇ કારણસર તેને દાખલ કરવામાં આવ્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...