મેઘમહેર કે મેઘકહેર:સોજીત્રામાં બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ, વીજળી વેરાન બનીને ત્રાટકતા એકનું મોત, બે દાઝ્યાં

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોજિત્રામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

આણંદ શહેર સહિત જિલ્લામાં શનિવારની બપોરે મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરી હતી. ખાસ કરીને સોજિત્રામાં માત્ર બે કલાકમાં જ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જોકે, ભડકદ ગામે વીજળા વેરાન બનીને ત્રાટકી હતી. જેથી એક શખ્સનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકો દાઝી ગયા હતા. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ
આણંદ જિલ્લામાં શુક્રવારના રોજ વરસાદે વિરામ લીધા બાદ શનિવારની બપોરે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરૂ કરી હતી. દિવસભર વાદળછાંયા વાતાવરણ બાદ બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સોજિત્રામાં બપોરના 2થી 4માં જ 60 મિમી જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

બન્ને યુવકને સારવાર માટે ખસેડાયા
આ ઉપરાંત સોજીત્રાના ભડકદ ગામે કડાકા સાથે વીજળી પડી હતી. જેના કારણે સુરેશભાઈ અંબાલાલ પટેલના ખેતરમાં ડાંગર રોપતા ત્રણ શ્રમજીવી ગંભીર રીતે દાઝી ગયાં હતાં. જેમાં વિજય મસાર કલા (ઉ.વ.20)નું મોત નિપજ્યું હતું. જ્યારે સેલત દિવાન તાશન (ઉ.વ.17) અને મશાર સંજય કલા (ઉ.વ.22) (રહે.હાંડી (સંજલી), તા.સીંગવટ, જિ. દાહોદ) દાઝી જતાં તેમને તાત્કાલિક 108માં સારવાર માટે નડિયાદ મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ક્યા કેટલો વરસાદ વરસ્યો?
જિલ્લાના ડિઝાસ્ટર વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ જિલ્લામાં બપોરના 2થી 4 દરમિયાન આણંદમાં 25 મિમી, ખંભાતમાં 38 મિમી, તારાપુરમાં 22 મિમી, પેટલાદમાં 33 મિમી, બોરસદમાં 5 મિમી અને સોજિત્રામાં 60 મિમી વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...