અકસ્માત:આણંદના વાસદ અને નાવલીમાં બે અકસ્માત, ટેન્કર ચાલક અને રાહદારીનું મોત

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસદ પાસે ટેન્કર પાછળ કન્ટેનર અથડાતાં ચાલકનું મોત
  • નાવલી પાસે પુરપાટ ઝડપે જતાં મીની ટ્રકે રાહદારી યુવકને ટક્કર મારતાં મોત

વાસદ નજીક નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી કન્ટેનરના ચાલકની બેદરકારીના કારણે આગળ જતી ટેન્કર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકને ગંભીર ઇજા પહોંચા સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના મેટોડા ખાતે રહેતા જયંતીભાઈ નાથાભાઈ બગડા (ઉ.વ.50) છેલ્લા વીસ વર્ષથી ગોહિલરાજ ટ્રાન્સપોર્ટની ગાડીઓ ફેરવે છે. તેઓ 5મી ઓક્ટોબર,2021ના રોજ સાંજના કન્ટેનર લઇ વાસદ પાસે નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા તે સમયે ટોલનાકા પાસે અકસ્માત સર્જાયો હતો.

તપાસ કરતાં આ અકસ્માત આગળ જતા ડામરના ટેન્કર સાથે સર્જાયો હતો અને અકસ્માતમાં જયંતીભાઈ બગડાને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ વાસદ હોસ્પિટલ અને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે જયંતીભાઈના નાના ભાઈએ વાસદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મીની ટ્રક ટક્કરે રાહદારી યુવકનું મોત

નાવલી ગામ પાસે પુરપાટ ઝડપે જતાં મીની ટ્રકે રાહદારી યુવકને ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, વાંસખીલીયા ગામના સરપંચના તબેલા પર છેલ્લા પંદરેક દિવસથી પરિવાર સાથે રહેતા અમરસિંહ હેમાભાઈ તાવીયાડ (ઉ.વ.36) 6ઠ્ઠી ઓક્ટોબરની બપોરે ત્રણેક વાગ્યાના સુમારે ઘરનો સામાન લઇને નાવલીથી ચાલતા ઘરે જતાં હતાં, તે દરમિયાન અજાણ્યા મીની ટ્રક ચાલકે તેમને ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા મીની ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...