મિશન ગ્રીન ગુજરાત:આર્ટ ઓફ લિવિંગના 'મિશન ગ્રીન અર્થ'ના ભાગરૂપે ગુજરાતમાં વૃક્ષારોપણ હાથ ધરાયું, CM દ્વારા વૃક્ષારોપણ કરાયું

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા વિશ્વભરમાં 1000 કરોડ વૃક્ષો વાવવાનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આણંદ જિલ્લાના આંકલાવાડી ખાતે આવેલા શ્રી શ્રી રવિશંકર મહારાજના આશ્રમની સૌજન્ય મુલાકાત લઈને સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ થકી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ મિશન ગ્રીન અર્થ – ગ્રીન ગુજરાતની મુહિમનો શુભારંભ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીને શ્રી શ્રી રવિશંકર મહારાજે આવકાર્યા હતા, કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીનું વૈદિક મંત્રોચ્ચારની દિવ્ય ધ્વનિથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ સાથે લોકોની વધુ સારી સેવા કરવા માટેની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સરકારનું કામ છે, પ્રજાજનોની સેવા માટે પ્રત્યેક મિનિટનો સદુપયોગ થાય તેના માટે સતત પ્રયત્નશીલ રહેવું. સરકારના આવા પ્રયાસોમાં, ગુજરાત હરીયાળું બને તે માટેના કાર્યોમાં જયારે આર્ટ ઓફ લીવીંગ જેવી સંસ્થાઓ "આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત" ના શુભ સંકલ્પ સાથે જોડાય છે, ત્યારે તે કાર્યમાં દિવ્ય ઊર્જાનો સંચાર થતો હોય છે.

મહત્વનું છે કે આ તબક્કે શ્રી શ્રી રવિશંકર મહારાજે મુખ્યમંત્રીને આવકારતા જણાવ્યું હતુ કે, ગુજરાતની પ્રગતિ – સમૃધ્ધિ માટે ખુબ ટુંકા સમયમાં ઘણું સારૂં કાર્ય થયું છે. તેમણે ગુજરાત ગ્રીન બને તે માટે સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ ‘‘આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત’’ની મુહિમમાં સહભાગી બનવા બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી શ્રી રવિશંકર મહારાજના હસ્તે આંકલાવડી આશ્રમ ખાતે બીલીપત્ર, શ્યામ તુલસી, પીપળો, શિર ચંપો, લીંબુ, મીઠો લીમડો અને એલોવેરાના વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાતની મુહિમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને પૂર્ણ કરવા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મિશન ગ્રીન અર્થ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ‘‘આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત’’ના મંત્રને સાકાર કરવા ગુજરાતમાં મિયાવાકી પદ્ધતિથી 1000 કરોડ વૃક્ષો વાવવામાં આવશે. કલાઈમેટ ચેન્જના કારણે આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની અનેકવિધ સમસ્યાઓ ઉભી થઈ રહી છે, ત્યારે વૃક્ષારોપણથી માત્ર શુદ્ધ હવા જ નહિ, પરંતુ વરસાદમાં વધારો, પાણીના સ્તરની જાળવણી અને જમીન ધોવાણ અટકાવવા જેવા અનેકવિધ ફાયદા થાય છે. જેથી પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોના મહત્વને ધ્યાનમાં રાખીને, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મિયાવાકી અને પરંપરાગત વૃક્ષારોપણ પધ્ધતિ દ્વારા લગભગ 1000 કરોડ વૃક્ષો વાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ હેઠળ સંસ્થા દ્વારા હોમ નર્સરી, તકનીકી કુશળતા, શારીરિક યોગદાન, વૃક્ષારોપણ અને સંવર્ધનની જવાબદારી અંગે જન જાગૃતિ ફેલાવી સંસ્થાઓ અને લોકોને “આપણું ગુજરાત, હરિયાળું ગુજરાત" ની મુહિમ સાથે જોડવામાં આવશે.આ કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, સાંસદ મિતેશભાઇ પટેલ, કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર, ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રદીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો તથા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહયાં હતા.

અન્ય સમાચારો પણ છે...