તારાપુર તાલુકાના ચાંગડા - કાનાવાડા, ચાંગડા - ચિતરવાડા રોડ પરથી પસાર થતી 11 કેવીની આશરે દસ કિલોમીટર લાંબા વીજ વાયરની તસ્કરો ચોરી ગયાં હતાં. આ ઉપરાંત ઇસરવાડા હાઈવે પરથી ડીપીની કોઇલ મળી કુલ રૂ.3.55 લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો.
મધ્ય ગુજરાત વીજ કંપનીના સિનિયર એન્જીનીયર હિતેશકુમાર અજયભાઈ પંચાલ છેલ્લા કેટલાક સમયથી તારાપુરમાં ડેપ્યુટી એન્જિનીયર તરીકે ફરજ બજાવે છે. તેઓને 8મી જાન્યુઆરીના રોજ ઉંટવાડા - સાંઠના ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ કાંતિભાઈ પટેલે જાણ કરી હતી કે, ઉંટવાડા તાબે ઉંટવાડા - ખંભાત રોડ પર પસાર થતી 11 કેવી વીજ લાઇન કે જેના દ્વારા ખેતીવાડી તેમજ ગ્રામ્ય વિસ્તારના વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. તે લાઇનની કુલ 5205 મીટરના વીજ કેબલ કિંમત રૂ.1,57,066ની ચોરી થઇ છે. આ ઉપરાંત 11મી જાન્યુઆરી,23ના રોજ ચાંગડા - કાનાવાડા, ચાંગડા - ચિતરવાડા રોડ પરથી પસાર થતી 11 કેવી લાઇનની 5418 મીટરના વીજ કેબલ કિંમત રૂ.1,63,493ની ચોરી થઇ હતી. તેવી જ રીતે 19મી જાન્યુઆરી,23ના રોજ ઇસરવાડા - વટામણ ધોરી માર્ગ પર રાજા રઘુવીર હોટલ પાસે ડીપીમાંથી અજાણ્યા શખસો ઢાંકણ ખોલીને કોપર કોઇલ, ઓઇલ ચોરી ગયાં હતાં. આમ તારાપુર પંથકમાં કુલ 3,55,560ની વીજ કંપનીની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે હિતેશકુમાર પંચાલની ફરિયાદ આધારે તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.