છેલ્લી ઘડીની ખરીદી:આજે પવન- ઠંડીની જુગલબંધીથી પતંગરસિયાઓ ની મોજ બેવડાશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદના પતંગ બજારમાં ભીડ ઉમટી, મોડી રાત સુધી ધમધમાટ
  • ઠંડીનો પારો 12 ડિગ્રી અને પવનની ગતિ 11 કિમી રહેવાની વકી

ઉતરાયણના દિવસે પતંગરસિયાઅોને મોજ પડી જાય તેવો હવામાનનો વર્તારો છે. 14મીના રોજ હવામાન સંભવિત ચોખ્ખું રહેશે પરંતુ ઠંડીનો વર્તારો અને પવનની ગતિ 11 કિમી પ્રતિ કલાક રહે તેવી વકી છે. જેને કારણે પતંગરસિયાઓને મઝા પડી જશે. ઠંડીના કારણે લોકોની હાજરી પણ અગાશી પર વધુ રહેશે. આ અગાઉ ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આણંદ-નડિયાદના બજારોમાં પતંગ-દોરી ખરીદવા માટે છેલ્લી ઘડીની ભીડ ઉમટી હતી. જેને પગલે બજારોમાં અચાનક ખરીદી જામતાં વિક્રેતાઓમાં પણ મોજ પડી ગઈ હતી.

હવામાન વિભાગના હેડ ડો. મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી 10 કિમી પ્રતિ કલાક રહેશે. બપોરે 11થી 3 કલાક દરમિયાન પવનનું જોર 8 થી 10 કિમીની વચ્ચે રહેવાની સંભાવના છે. જોકે, પવનની દિશા બદલાશે. સમગ્ર દિવસ દરમિયાન ઠંડીનું જોર રહેશે. આ સિવાય 15મીના દિવસે પણ આકાશ ચોખ્ખું રહેશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મહતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 27.7 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા તથા પવનની ગતિ 3.8 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. શનિવારે ઠંડીનો પારો 12 ડિગ્રી રહેવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...