મન્ડે પોઝિટિવ:ને. હા. 48 પર રાવળાપુરાથી લાંભવેલ-કરમસદને જોડતો બાયપાસ રોડ બનતા 7 કિમીનો ફેરો બચશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 31.33 કરોડના ખર્ચે નવો રોડ બનતાં 2000 વાહનોનું ભારણ ઘટશે
  • વાહનોને બગોદરા, ભાવનગર જવા માટે શહેરના ટ્રાફિકમાંથી મુક્તિ મળતા સમયની બચત

આણંદમાં ટ્રાફિકનું ભારણ માથાનું દુઃખાવા રૂપ બની ગયું છે. ખાસકરીને સૌરાષ્ટ્ર અને ભાલ પંથકના વાહનો ગણેશ ચોકડી થઇને બોરસદ ચોકડીથી તારાપુર હાઇવે પર જતાં હોવાથી ટ્રાફિક વધુ રહે છે. જેને ધ્યાને લઇને રાજય સરકારે દોઢ વર્ષ અગાઉ ને.હા 48 રાવળાપુરા નજીક પસાર થતી ડેડ કેનાલ પર લાંભવેલ થી કરમસદ ને જોડતો 10 કિમીનો બાયપાસ રોડ બનાવવાનું નક્કી કર્યુ હતું. પરંતુ કોઇ કારણસર ઘોંચમાં પડયું હતું. આણંદના સાંસદ મિતેશ પટેલ સહિતના આગેવાનો રાજય સરકારમાં રજૂઆત કરી હતી.

તેના ફળ સ્વરૂપે વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં સરકારે આણંદ જિલ્લાની જનતાને રાવળાપુરા-લાંભવેલ કરમસદ રોડ 31.33 કરોડના ખર્ચે તૈયાર કરવામાં મંજૂરી આપી દીધી છે. જેને લઇને આણંદની જનતાને નવા વર્ષની અનમોલ ભેટ મળી છે. ટુંક સમયમાં આણંદને ટ્રાફિક ભારણમાંથી મુકિત મળશે.

આણંદ શહેરની ટીપી સ્કીમ અંતર્ગત નહેર બંધ થવાથી લીંક રોડના બાંધકામ માટે નિયત કરવામાં આવેલ છે. જેથી નહેરની અંદાજીત 10.77 કિલોમીટરની જગ્યાએ રસ્તો બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જણાવાયું છે. ન્યુ બાયપાસ રોડ માટે માર્ગ મકાન વિભાગનો 90 કરોડ રૂપિયાનો બ્લોક એસ્ટીમેન્ટ સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે.

ભારત સરકાર દ્વારા સીઆર એફ યોજના અંતર્ગત રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48થી રાજ્ય ધોરીમાર્ગ 83 (રાવળાપુરાથી આણંદ કરમસદ સોજીત્રા રોડ) રૂ. 31.33 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવતાં સોમવારે બપોરે 3.30કલાકે બાકરોલ ગેટ પાસે ડેડ કેનાલ નજીક ખાતમુર્હુત કરવામાં આવશે.

આણંદ શહેરમાંથી દૈનિક 1500થી વધુ વાહનોનું ટ્રાફિક ભારણ ઘટશે
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી આવતા લકઝરી બસો, ખાનગી વાહનો અને ભારે માલવાહક વાહનો આણંદ જિલ્લામાં પ્રવેશવા માટે તેમજ સૌરાષ્ટ્ર રાજકોટ તરફ જવા માટે ચિખોદરા ચોકડીથી બોરસદ ચોકડી થઈને સોજીત્રા તારાપુર વટામણ બગોદરા રોડનો ઉપયોગ કરે છે. જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થતાં નગરજનો હાલાકી વેઠવી પડતી હતી. હવે આ ન્યુ બાયપાસ રોડ બનતાં સૌરાષ્ટ્ર તરફ જવા માંગતા વાહનચાલકો રાવળાપુરાથી સીધા બાયપાસ રોડ ચઢી જશે,તેથી શહેરમાં દૈનિક 1500થી 2000 વાહનોની અવરજવર ઘટતાં ટ્રાફિકનું ભારણ હળવું બનશે.

અન્ય સમાચારો પણ છે...