સાવધ રહેજો:લાઈટ બિલ અપડેટ કરવાનું કહી ઠગે રૂ. 10.34 લાખ ઉપાડી લીધા

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક સાથે થયેલી ઠગાઇ તમારી સાથે પણ થઇ શકે છે

આણંદ શહેરમાં જીટોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતાં યુવકને ગઠિયાએ પોતાની ઓળખ એમજીવી સીએલના કર્મી તરીકે આપી, લાઈટ બિલ અપડેટ કરવાના બહાને તેના મોબાઈલમાં ક્વીક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા 10.34 લાખ ઉપાડી લીધા હતા. આ મામલે સાઈબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરમાં જીટોડિયા રોડ પર આવેલી વિશ્રુત પાર્ક 2 સોસાયટીમાં 22 વર્ષીય કૃતાર્થ યોગેશ શુક્લ રહે છે. તેના માતાના મોબાઈલ પર ગત 1લી ઓક્ટોબરના રોજ વ્હોટસએપ પર એક લાઈટ બિલ અપડેટ થયું નથી તેવો મેસેજ આવ્યો હતો. જેને પગલે તેમાં મેસેજમાં જણાવેલા નંબર પર તેણે ફોન કરતાં જ સામેવાળા ગઠિયાએ એમજીવીસીએલના કર્મી તરીકે ઓળખ આપી રાત્રિના સાડા નવ કલાકે વીજ કનેક્શન કપાઈ જશે તેમ કહ્યું હતું અને તુરંત જ બિલ અપડેટ કરવા માટે રૂપિયા 10 ભરવા કહ્યું હતું.

ફોન કરનારા ગઠિયાની વાતોમાં આવેલા કૃતાર્થે તેણે કહેલી ક્વીક સપોર્ટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેવી જ તેણે એપ્લિકેશન ડાઉનલોડ કરી કે તુરંત જ તેના પિતાના ખાતામાંથી 17 જેટલાં ટ્રાન્ઝ્ેક્શન મારફતે રૂપિયા 10.34 લાખ ઉપડી ગયા હતા. જોકે, આ મેસેજ તેના પિતાના મોબાઈલમાં આવતાં જ તેમણે તપાસ કરી હતી, જેમાં તેઓ સાઈબર ફ્રોડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આણંદ વીજ તંત્રના અધિકારી એમ.ડી.રાઠવાએ જણાવ્યું હતું કે વીજ ધારકોએ છેતરામણા એસએમએસ દ્વારા માગવામાં આવેલ કોઈપણ માહિતી કે ઓટીપી ગ્રાહકોએ આપવા નહિ. તેમજ આવી બાબતની જાણ નજીકની આણંદ એમજીવીસીએલની કચેરીને કરવી.

અન્ય સમાચારો પણ છે...