તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ફાંગણી ગામમાં લૂંટ કરનારી આદિવાસી ગેંગના ત્રણ ઝબ્બે

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસેક દિવસ પહેલાં ચાર શખ્સોએ લૂંટને અંજામ આપ્યો હતો : હજુ એક શખ્સને પકડવાનો બાકી
  • મજૂરી અર્થે આવી રેકી કરી ચોરી કરતા હોવાની કબુલાત

પેટલાદ તાલુકાના ફાંગણી ગામમાં દસેક દિવસ અગાઉ દંપત્તિને ધમકાવી લુંટ કરનારી ગેંગના ચાર સભ્યો પૈકી ત્રણ શખ્સને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. મૂળ દાહોદની આદિવાસી ગેંગ છે અને તેઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

દાહોદના ધાનપુર ગરબાડા વિસ્તારના આદિવાસી માણસો ચરોતરના અલગ અલગ વિસ્તારોમાં મજૂરીકામ અર્થે આવી દિવસ દરમિયાન રેકી કરીને નાની-મોટી ઘરફોડ ચોરી અને લુંટને અંજામ આપતા હોવાની બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. વધુમાં દાહોદની ગેંગના ભરત મોતી મંડોર (રહે. દુધામલી, ધાનપુર, દાહોદ) અગાઉ તેના સાગરિત સાથે લૂંટ તેમજ ઘરફોડ ચોરીઓના ગુનામા પકડાયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ ગેંગના સભ્યો આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભેગા થઈને રાત્રિના ચોરીને અંજામ આપવાના હોવાની ચોક્કસ બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી.

જેને પગલે પોલીસે વોચ ગોઠવી આણંદ નવા બસ સ્ટેન્ડ પાસેથી ત્રણ શખ્સ ભરત ઉપરાંત મલસીંગ રાયસીંગ પરમાર (રહે. કાંટુ, ધાનપુર, દાહોદ) અને ગબી ઉર્ફે ગોપાલ વીરીયા મોહનીયા (રહે. ઉંડાર, ધાનપુર, દાહોદ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેયની તપાસ કરતાં તેમની પાસેથી લોખંડનુ ગણેશીયુ, પક્કડ, નાની બેટરી મળી આવ્યા હતા. સઘન પૂછપરછ કરતા ગત 28મીના રોજ વહેલી સવારે પેટલાદ તાલુકાના ફાંગણી ગામે આવેલા પતિ-પત્નીને ધમકાવી લૂંટ આચરી હોવાની કબૂલાત કરી હતી. જેમાં આણંદ જિલ્લાના ચાર ગુનાના ભેદ ઉકેલાયા હતા.

ત્રણેય વિરૂદ્ધ 71 જેટલાં ગુના નોંધાયા છે
ત્રણેય શખ્સ વિરૂદ્ધ અગાઉ જુદા જુદા પોલીસ મથકોમાં થઈને 71 જેટલા ગુના નોંધાયા છે. ઝડપાયેલા આરોપીઓમાં ગબીભાઈ ઉર્ફે ગોપાલ મોહનીયા અગાઉ અમદાવાદ રૂરલ, બોપલ, માણસા, લીમખેડા, ધાનપુર, અમદાવાદ શહેર, ધોળકા, ગાંધીનગર, ડભોડા વિગેરે વિસ્તારોમાં મર્ડર, ધાડ, લુંટ, ઘરફોડ, ચોરીઓના 40 ઉપરાંત ગુનાઓમાં સંડોવાયેલો છે. એક વર્ષ પહેલા દેવગઢબારિયા જેલમાંથી ફરાર થવાના ગુનામાં સંડોવાયેલો છ. ગાંધીનગર શહેર ઇન્ફોસિટી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ છે. મલસીંગ પરમાર અગાઉ લીમખેડા, ગોધરા, શહેરા, લીંબાસી, માતર, ધોળકા, વાપી, છોટાઉદેપુર, ચોટીલા વિગેરે વિસ્તારોમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓના 20 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો. જ્યારે ત્રીજો આરોપી ભરત મંડોર વાપી, વલસાડ, લીમખેડા વિગેરે વિસ્તારોમાં લુંટ, ધાડ, ઘરફોડ ચોરીઓના 11 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો.

અન્ય સમાચારો પણ છે...