કેમિકલનો શંકાસ્પદ જથ્થો મળ્યો:આંકલાવમાં કેમિકલ સાથે ત્રણ શખસ પકડાયાં, વડુની કંપનીમાંથી કેમિકલ ચોર્યું હોવાનું કબુલ્યું

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે લાખનો મુદ્દામાલ કબજે લીધો

આંકલાવ પોલીસે ગંભીરા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન રોકેલી ગાડીમાં તલાસી લેતાં તેમાંથી કેમિકલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ગાડીમાં સવાર ત્રણ શખસની પુછપરછ કરતાં તે વડુ ગામની કંપનીમાંથી ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી. આથી, પોલીસે ગાડી સહિત રૂ.1.97 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

200 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો
આંકલાવ પોલીસે ગંભીરા ચોકડી પર વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ જણાતી ઝાયલો ગાડી રોકી હતી. આ ગાડીમાં ત્રણ શખસ સવાર હતાં. જ્યારે પાછળના ભાગે વાદળી કલરના પાવડરની 10 જેટલી બારીમાં 200 કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ગાડીમાં બેઠેલા ત્રણેય શખસની પુછપરછ કરતાં તેઓ યોગ્ય જવાબ આપી શક્યાં નહતાં. આથી, તેમને પોલીસ મથકે લાવી આગવી ઢબે પુછપરછ કરી હતી. જેમાં તેઓએ આ કેમિકલ પાવડર વડુ ગામની દૂધવાળા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી અસાઇ સોગવન કલર લિમિટેડ નામની કંપનીમાંથી ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી.

આ શખસોની વધુ પુછપરછ કરતાં તે વાસુદેવ ઉર્ફે પ્રકાશ રૂપસંગ રાઠોડ, રણજીત રાજુ રાઠોડ (રહે. કહાનવા, જિ. ભરૂચ) અને અશોક ગણપત પઢીયાર (રહે. ગંભીરા, તા. આંકલાવ )હોવાનું જણાવ્યું હતું. આ અંગે વડુ પોલીસ મથકમાં તપાસ કરતાં ચોરીની ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું હતું. આથી, આંકલાવ પોલીસે ત્રણેયની અટક કરી રૂ.1.97 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વડુ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

ચોરી કરી તેઓ અન્ય જગ્યાએ લઈ જતા હતા
આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણાએ જણાવ્યું હતું કે, અસાઈ સોગવન કલરની કંપનીમાંથી વાદળી કલરના પાવડરની ચોરી કરી હતી. આ વાદળી પાવડર જીન્સ પેન્ટમાં કલર કરવામાં ઉપયોગમાં આવતો હોય છે. તેની ચોરી કરી તેઓ અન્ય જગ્યાએ લઈ જતા હતા. તે દરમિયાન ગંભીરા ચોકડી નજીક પોલીસ ના હાથે પકડાઇ ગયાં છે. આ ત્રણે ઈસમો કંપનીની નજીક આવેલા ભરૂચ જિલ્લાના કહાનવા ગામના રહેવાસી છે.

અન્ય સમાચારો પણ છે...