આણંદ આરટીઓ કચેરીમાં એક વર્ષ અગાઉ 5 હજારથી વધુ બોગસ લાઇસન્સ ઈશ્યૂ કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. એ સમયે પોલીસ ફરિયાદ સહિત ગાંધીનગર સ્થિત પ્રાદેશિક કમિશનર સુધી મામલો પહોંચ્યો હતો. જે તે વખતે કેટલાંક એજન્ટના નામ પણ ખુલ્યાં હતા. એ પછી તપાસ પ્રાદેશિક કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા હાથ ધરાઈ હતી.
આ તપાસ દરમિયાન ઈન્ટરનેશનલ લાઇસન્સ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. તપાસમાં લાઇસન્સ લેવા આવતી વ્યક્તિઓની ઇન્ટનેશનલ કોમ્પ્યુટરમાં કોઇ એન્ટ્રી પાડ્યા વિના જ માત્ર સ્થાનિક ચોપડે નોંધ લઇને ઇન્ટનેશનલ લાઇસન્સ ઈશ્યૂ કરી દેવામાં આવતું હતું. તપાસ કરતાં આણંદ આરટીઓ કચેરીના આસિ. ઈન્સ્પેકટર પી. કે. પટેલ, યુ. ડી. ત્રિવેદી, હેડ કલાર્ક ઇલા દેસાઈની સંડોવણી ખુલતાં ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.
બોગસ લાઇસન્સનો ભાવ 20 હજાર હતો
આણંદ આરટીઓ કચેરીમાં ઝડપાયેલા બોગસ લાઇસન્સ કૌભાંડમાં એજન્ટો દ્વારા રૂપિયા 20 હજાર લાઇસન્સ પેટે લેવામાં આવતા હતા. મઝાની વાત એ છે કે, તેમાં એજન્ટ દ્વારા જ લાઇસન્સધારકની સમગ્ર ફાઈલ તૈયાર કરી દેવામાં આવતી હતી. એટલે કે, જેને ભારતનું કે પછી વિદેશનું લાઇસન્સ જોઈતું હોય તેણે કોઈ પણ પ્રકારનો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાનો રહેતો હોતો નથી. એ પછી તેનું લાઇસન્સ ઈશ્યૂ થઈ જતું હતું. અને તેને લીધે જ આસપાસના અન્ય જિલ્લામાંથી પણ કેટલાંય વાહનચાલકો આણંદમાં લાઇસન્સ લેવા આવતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.