ઉમરેઠના પીપળીયા ભાગોળમાં રહેતા વેપારીએ બે હજાર રૂપિયા ઉછીના લીધા હતા. જેના વ્યાજ પેટે વ્યાજખોરોએ 35 ટકા રકમ ઉઘરાવી હતી અને હપ્તો ન ભરી શકતા તેમને ધાકધમકી આપી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે આણંદના ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો.
ઉમરેઠના પીપળીયા ભાગોળ ખાતે રહેતા મહંમદઆરીફ ઉર્ફે રાજુભાઈ ખલીફા વાળંદનો ધંધો કરે છે. એક વર્ષ પહેલા આણંદના ભાલેજ ઓવર બ્રિજ નીચે રહેતા ઈ.એ.મહંમદ ઇકબાલ તથા અજીજ રહીમ શેખ પાસેથી રૂ.બે હજાર વ્યાજે લીધાં હતાં. આ સમયે તેઓએ રૂ.100 વ્યાજના અગાઉથી કાપી 1900 આપ્યા હતા. બાદમાં દરરોજનું રૂ.60 લેખે મહિને રૂ.1260 વ્યાજ વસુલવાનું શરૂ કર્યું હતું. આ રકમની વસુલાત માટે જમીર ઇશાક પઠાણ (રહે.અમીના મંજીલ આણંદ) કરતો હતો. 12મી જાન્યુઆરી,23ના રોજ વ્યાજના હપ્તાના રૂ.60 લેવા આવ્યાં હતાં. જોકે, ધંધો થયો ન હોવાથી હપ્તો આપી શક્યા નહતા. આથી, જમીરે ધમકી આપી હતી.આ ઉપરાંત અખ્તર અબ્દુલ ખલીફાને પણ રૂ.5000 ઉછીના આપ્યા હતા. જેમની પાસે દરરોજ રૂ.250 વ્યાજ કાપી લેતા હતા.આ શખસો દુકાને આવી ધાક ધમકી આપી 35 ટકા જેવું જંગી વ્યાજ વસુલતાં હતાં. આમ, દુકાનદાર માનસિક રીતે હેરાન પરેશાન થઇ ગયાં હતાં. કામ - ધંધે ધ્યાન આપી શકતો નહતો. આ અંગે ઉમરેઠ પોલીસે જમીર ઇશાક પઠાણ, ઇ.એ. મહંમદ ઇકબાલ અને અજીજ રહીમ શેખ (રહે. તમામ આણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.