તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Three Days Ago, The Wife's Love Affair Was Reported, The Husband Called The Lover On The Daughter's Birthday And Killed Him.

નડિયાદમાં અનૈતિક સંબંધોનો કરુણ અંત:ત્રણ દિવસ પહેલાં પત્નીના પ્રેમસંબંધની જાણ થઈ તો પતિએ પુત્રીની બર્થડે પર પ્રેમીને બોલાવ્યો અને મોતને ઘાટ ઉતાર્યો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોગરીના યુવકની હત્યામાં આણંદ ગ્રામ્ય પોલીસે બીજા દિવસે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું. સ્થળ પરથી મોપેડ, ઘડિયાળ તેમજ નહેરનું પાણી કબજે લીધાં હતાં. જ્યારે ઈન્સેટ તસવીરમાં મૃતક યુવકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મોગરીના યુવકની હત્યામાં આણંદ ગ્રામ્ય પોલીસે બીજા દિવસે સ્થળ પર પહોંચી પંચનામું કર્યું હતું. સ્થળ પરથી મોપેડ, ઘડિયાળ તેમજ નહેરનું પાણી કબજે લીધાં હતાં. જ્યારે ઈન્સેટ તસવીરમાં મૃતક યુવકની ફાઈલ તસવીર.
  • 3-3 સંતાન ધરાવતા મૃતક અને પરિણીતા વચ્ચેનો લગ્નેતર સંબંધ હત્યામાં પરિણમ્યો
  • મોગરી ગામના યુવકની પ્રેમિકાના પતિ અને તેના ભાણાએ મળી હત્યા કરી

આણંદ પાસેના મોગરી ગામે રહેતા 30 વર્ષીય યુવકને પુત્રીની બર્થ ડે પાર્ટી માટે બોલાવી માર મારી બોરિયાવી પાસેથી પસાર થતી મોટી નહેરના જીવાપુરા બંધ પાસે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારવાના બનાવમાં આણંદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં બે શખસની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવકના આરોપી યુવકની પત્ની સાથે પ્રેમસંબંધ હતા, જેની જાણ થતાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી અમિત પત્ની ભાવિકા.
આરોપી અમિત પત્ની ભાવિકા.

મોગરીસ્થિત મફતપુરા રોડ પાસેની શુક્લની ખરી પાસે રાજેશભાઈ રાવળ રહે છે. તેઓ ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. રવિવારે સાંજે બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને તેઓ ઘરેથી નીકળ્યા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ફર્યા નહોતા. ચિંતાતુર પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી, જેમાં તેમનું મોપેડ બોરિયાવી નહેર પાસે મળી આવ્યું હતું. પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરતાં મોપેડ રાજેશ રાવળનું હોવાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં યુવક રાત્રિના સમયે તેના મિત્ર અમિત રાવળ અને તેના ભાણા જય દિનેશ રાવળ સાથે હતો અને તેમણે પુત્રીની બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેને પગલે પોલીસે બંનેની તેમના ઘરેથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.

તેમણે જણાવ્યું હતું કે અમિતની પત્નીના રાજેશ રાવળ સાથે છેલ્લા પાંચેક મહિનાથી પ્રેમસંબંધ હતો. એની જાણ અમિતને ત્રણેક દિવસ પહેલાં થઈ હતી. દરમિયાન પુત્રી વૈષ્ણવીનો રવિવારે બર્થ ડે હોઈ સામેથી મૃતક યુવક રાજેશે પાર્ટીની વાત કરી હતી. એને પગલે અમિતે રાજેશને તેની પત્ની સાથે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. બંને આરોપી યુવકનો પ્લાન રાજેશ તેની પત્ની સાથે આવે તો પત્નીની હાજરીમાં જ તેને માર મારી સમગ્ર બનાવનો ભાંડાફોડ કરવાનો હતો.

પરંતુ અમિત અને જયને જાણ થઈ ગઈ હતી કે રાજેશ એકલો જ આવી રહ્યો છે, જેને પગલે સમગ્ર પ્લાન બદલી નાખી તેને માત્ર માર મારવાને બદલે હત્યા કરી નાખવાનો મનસૂબો ઘડી નાખ્યો હતો. તેને સીગડી હોટલ પાસે લઈ જવાને બદલે બોરિયાવી નહેર પાસે લઈ ગયા હતા, જ્યાં ઝપાઝપી કરી તેને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

આરોપી યુવકે ભાવિકા સાથે 15 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા
મૂળ નડિયાદના પણ હાલમાં બોરિયાવી ખાતે રહેતા મુખ્ય આરોપી અમિત રાવળના લગ્ન પંદર વર્ષ અગાઉ ભાવિકા સાથે થયા હતા, જે પ્રેમલગ્ન હતા. તેમને સંતાનમાં ત્રણ પુત્રી છે. બીજી તરફ મૃતક યુવકના લગ્ન 12 વર્ષ પહેલાં થયા હતા અને તેને પણ સંતાનમાં ત્રણ પુત્રી છે. અનૈતિક સંબંધોને પગલે બે પરિવારોનો માળો વિખેરાયો છે.

નહેરમાંથી 500 ફૂટ દૂરથી લાશ મળી
બનાવમાં મૃતકનો મૃતદેહ ઘટનાસ્થળેથી 500 ફૂટ દૂરથી મળી આવ્યો હતો. મંગળવારે તેનું પેનલ પીએમ કરાવ્યું હતું, જેમાં માથામાં વાગવાથી તેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. સ્થળ પરથી ઘડિયાળ મળી આવ્યું હતું. આ ઉપરાંત મોપેડ તથા એફએલએલની હાજરીમાં નહેરનું પાણી કબજે લેવાયું છે. - નિલેશભાઈ રામી, પીએસઆઈ, આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન.

ભાવિકાને માર પણ માર્યો હતો
આરોપી અમિત વટવા જીઆઈડીસીમાં નોકરી કરે છે. પ્રેમસંબંધની જાણ યુવતીનાં પરિવારજનો અને યુવકનાં પરિવારજનોને થતાં તેમણે તેને સમજાવી હતી. તેમણે તકેદારી રાખી હતી કે સમગ્ર ઘટના અમિત સુધી પહોંચે નહીં, પરંતુ ત્રણ દિવસ પહેલાં જ તેની જાણ થતાં તેણે પત્નીને માર માર્યો હતો, જેમાં તેણે ફરી આવું નહીં બને એમ કહી માફી પણ માગી હતી.

પ્રેમિકાની નજીક આવવા પતિને જ મિત્ર બનાવી દીધો
મૃતક યુવક રાજેશે પ્રેમિકાની નજીક આવવા તેના પતિને જ મિત્ર બનાવી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય અગાઉ ભજનમંડળીમાં સાથે મળ્યા બાદ તેણે જ સામેથી મોબાઈલ લઈ ગુડ મોર્નિંગ અને હાય હેલ્લોના મેસેજ નાખીને મિત્રતાની શરૂઆત કરી હતી.