રાજ્યમાં ફાયર સેફટીને લઈ કોઈ મોટી હોનારત થયા બાદ તંત્ર સાવચેતીના ભાગરૂપે સખ્તાઈ બતાવી ફાયરસેફટી બાબતે દંડનાત્મક કાર્યવાહી દેખાવ પૂરતી કરે છે.ગંભીર ઘટનાની અસર વિસરતા ફાયર સેફટી બાબતે માત્ર નોટિસો કાઢી તમામ મુદ્દે તંત્ર ગંભીર બેદરકારી દાખવે છે.બિલ્ડરો અને દુકાનદારો પણ આ મુદ્દે જાણકારી રાખતા હોવા છતાં થોડાક રૂપિયા બચાવવા ફાયરસેફટીના નિયમોનું ઉલ્લંઘન અને અણદેખી કરે છે.પ્રાદેશિક કમિશ્નરનો આદેશ થતા આણંદ ,વિદ્યાનગર સહિતની નગરપાલિકા ફાયરસેફટી મુદ્દે સક્રિય થઈ હોવાનું જણાય છે.જોકે આ મુહિમ કેટલો સમય ચાલે છે અને કેવું પરિણામ આપે છે તે જોવું રહયું.
આણંદના શહેરી વિસ્તારમાં ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડીંગને નોટીસ પાઠવવામાં આવે છે. તેમ છતાં કોમર્શીયલ હાઇરાઇઝ બિલ્ડીંગના મિલકતદારો કે વહીવટદારો દ્વારા ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવવા અંગે કોઇ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. આથી, ફાયર સેફ્ટી સર્ટીફિકેટ મેળવેલા ન હોય અથવા તો ફાયર સેફ્ટીની સુવિધા રાખેલી ન હોય તેવી કોમર્શીયલ હાઇરાઇઝ બિલ્ડીંગને તાકીદે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવા આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના પગલે આણંદ, વિદ્યાનગર, કરમસદ સહિતની પાલિકા સફાળી જાગી હતી અને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વનું છે કે આ કાર્યવાહીમાં આણંદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા કવિતા શોપીંગ સેન્ટર અને તેની ઉપર રહેલી કવિતા હોટલની સીલ મારવામાં આવ્યું હતું. જ્યાં હોટલ સંચાલક સાથે તૂતૂમેંમેં પણ થઇ હતી. જોકે, બાદમાં કાયદાકીય પગલાં ભરવાનું જણાવતા મામલો થાળે પડ્યો હતો. આ ઉપરાંત કિશોર પ્લાઝા, દેવરેડ કોમ્પ્લેક્સમાં પણ સીલ મારી તમામને તાત્કાલિક ફાયર સેફ્ટી વસાવવા જણાવવામાં આવ્યું હતું.
વિદ્યાનગરમાં ત્રણ બિલ્ડીંગની 104 દુકાનો સીલ કરાઇ
વિદ્યાનગર નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી ન હોય તેવા કોમ્પ્લેક્સને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રામા પ્લાઝાની 29 દુકાન, આર. કે. કોમ્પ્લેક્સની 45 દુકાન અને વિરલ પ્લાઝાની 30 દુકાન મળી કુલ 104 દુકાનને સીલ મારી નોટીસ ફટકારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.