તસ્કરોનો તરખાટ:ખંભાતમાં અકીકના વેપારીના ઘરમાંથી રોકડા સાડા ત્રણ લાખની ચોરી, જાણભેદુ શખ્સ હોવાની શંકા

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધાના કામ અર્થે બેન્કમાંથી રૂ.અઢી લાખ લાવ્યાં હતાં

ખંભાતમાં પાંચ હાટડી વિસ્તારમાં રહેતા અકીકના વેપારીના ઘરમાં ત્રાટકેલા તસ્કરો રૂ.સાડા ત્રણ લાખ રોકડાની ચોરી કરી લઇ ગયાં હતાં. વેપારી પરિવાર સાથે અમદાવાદ ઇદ મનાવવા ગયા તે દરમિયાન ચોરી થઇ હતી. આ ચોરીમાં તેઓ ધંધા માટે રૂ. અઢી લાખ બેન્કમાંથી લાવી મુક્યા હતા તે પણ ચોરાઇ ગયાં હતાં.

ખંભાતના પાંચ હાટડી વિસ્તારમાં રહેતા વસીમુદ્દીન સમસુદ્દીન મલેક ઘરે જ વસીમ અગેટ્સ નામની ફેક્ટરી ચલાવે છે અને અકીકનો વ્યવસાય કરે છે. તેઓ 5મી મે,22ના રોજ સવારના સાડા દસેક વાગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રૂ.અઢી લાખ રોકડા ધંધાના કામ અર્થે જરૂર હોવાથી લાવ્યાં હતાં. આ ઉપરાંત તેમની રોકડા એક લાખ હતાં. જે મળી કુલ રૂ.3.50 લાખ એક થેલીમાં મુકી લાકડાની તિજોરીમાં કપડા પાછળ મુક્યા હતાં.

આ દરમિયાનમાં વસીમુદ્દીન મલેક પરિવાર સાથે અમદાવાદ સાસરીમાં ઇદ નિમિત્તે મળવા ગયા હતા અને રાત્રિ રોકાણ ત્યાં જ કર્યું હતું. દરમિયાન તેમના ઘરમાં ચોરી થઇ હોવાનું જાણવા મળતાં તેઓ તુરંત ખંભાત દોડી આવ્યાં હતાં. તપાસ કરતાં ઘરનું તાળું નકુચામાંથી તુટેલું હતું અને બીજા રૂમના દરવાજાનું તાળું પણ તુટેલું હતું. બીજા રૂમમાં મુકેલા લાકડાની તિજોરીનું લોક તુટેલું હતું અને કપડા, તિજોરીનો સામાન વેર વિખેર પડેલો હતો. લાકડાની તિજોરીમાં કપડા પાછળ પ્લાસ્ટીકની થેલીમાં મુકેલા રૂ.સાડા ત્રણ લાખ રૂપિયા જોવા મળ્યાં નહતાં. જે તસ્કર ચોરી ગયો હતાં. આ અંગે ખંભાત શહેર પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચોરી પાછળ જાણભેદુ શખ્સ હોવાની શંકા

ખંભાતના પાંચ હાટડી વિસ્તારમાં વસીમુદ્દીન મલેકના ઘરમાં રોકડા રૂ. ત્રણ લાખની ચોરી થઇ હતી. આ ઘટના પાછળ કોઇ જાણભેદુ હોવાની જ શંકા ઉઠી છે. કારણ કે તસ્કરે તિજોરી અને કપડાં જ ભેંદી રોકડા શોધી લઇ ગયાં હતાં. આ ઉપરાંત મકાનમાં બાકીનો સામાનને તસ્કરોએ ખાસ નુકશાન કર્યું નહતું.

અન્ય સમાચારો પણ છે...