આણંદના ખંભાત તાલુકાના કલમસરમાં કિર્તિદાન ગઢવીનો ડાયરો થયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ધારાસભ્ય મયુર રાવલ પણ રૂપિયા ઉડાડતા નજરે પડ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રીએ પણ જાહેર મેળાવડામાં લોકોને ન જવા અપિલ કરી છે. તેમ છતાં આ પ્રકારના લોક ડાયરાનું આયોજન થઈ રહ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. જે હાલ કોરોનાના સમયમાં ચિંતા ઉપજાવનારો છે.
ચરોતરમાં હજારોની મેદની વચ્ચે આયોજીત કીર્તિદાનના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર અને ખંભાતના ભાજપ ધારાસભ્ય મયૂર રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ કરતા નજરે ચઢ્યા હતા. આ દરમિયાન માસ્કને લઈ કલાકારે કહ્યું હતું કે, મયુરભાઈ થોડુક માસ્ક કાઢી નાખજો તો વધુ મજા આવશે. તેમજ કહ્યુ કે, મયુરભાઈ અમને મજા એ આવે છે કે અહિં કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહિં 400થી વધુ લોકો છે જ નહિં તેથી કોઈ વિરોધ નહિં કરી શકે.
ધારાસભ્યની હાજરીમાં ભીડ ઉમટી
કલમસરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં ઉપસ્થિત લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. તેમજ ધારાસભ્ય મયુર રાવલની હાજરીમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. કોરોનાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્યે પણ માસ્ક પહેર્યું ન હતું તેમજ અન્ય કેટલાય લોકોએ માસ્ક પહેર્યુ ન હતું.
ડાયરાથી પોલીસ અજાણ?
આ ડાયરમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. લોકો કોરોનાને ભુલીને ડાયરાની મોજ માણી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. રાજ્યમાં કોરોના જતો રહ્યો હોય તેવા દશ્યો જોવા મળ્યા હતા. જોકે, આ વચ્ચે આ ડાયરાથી પોલીસ એકદમ અજાણ હોય તેમ કોઈ જ તકેદારીના પગલા લેવામાં આવ્યાં ન હતા.
આણંદનો ત્રણ દિવસનો પોઝિટિવિટી રેટ 8.78 ટકા
ચરોતર પંથકમાં આણંદની વાત કરીએ તો 6 જાન્યુઆરીએ 1214 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 112નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો એટલે કે 6 જાન્યુઆરીએ કરવામાં આવેલા ટેસ્ટની સરખામણીએ 9.23 ટકા પોઝિટિવિટી રેટ હતો. જ્યારે 7 જાન્યુઆરીના રોજ 1645 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 133નો રિપોર્ટ કોરોના પોઝિટિવ હતો, એટલે કે 7 જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ 8.09 ટકા પોઝિટિવિટી રેટ હતો. 8 જાન્યુઆરીએ 921 ટેસ્ટ કરાયા હતા જેમાંથી 87 કોરોના પોઝિટિવ હતા. 8 જાન્યુઆરીએ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 9.45 ટકા હતો.
વીડિયો વાઈરલ થતા રાજકીય આગેવાનો ઉપર લોકટિકા
ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓના ડાયરામાં રૂપિયા અને ડોલરોનો વરસાદ થાય તે સામાન્ય વાત થઈ ગઈ છે. ત્યારે આણંદ જિલ્લામાં કોરોના મહામારીમાં કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન થયું હતું. જેમાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર અને ખંભાતના ભાજપ ધારાસભ્ય મયૂર રાવલ કીર્તિદાન ગઢવી ઉપર નોટોનો વરસાદ કરતા નજરે ચઢ્યા હતા. જેનો વીડિયો વાઈરલ થતા રાજકીય આગેવાનો ઉપર લોકટિકા થઈ રહી છે.
પોલીસ નેતાઓ સામે કાર્યવાહી કરશે?
કિર્તીદાન ગઢવીના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોવા મળ્યો હતો. ધારાસભ્ય મયુર રાવલ અને મહેન્દ્રસિંહ પરમારે પણ ડાયરામાં રૂપિયા ઉડાવ્યાં હતા. આ રાજકીય આગેવાનો દ્વારા કિર્તીદાન ગઢવી પર રૂપિયા ઉડાડતા હોય તેવો વીડિયો વાયરલ થતા ચારેબાજુ લોકટિકનો વિષય બન્યો હતો. અહીં કોરોનાના કહેર વચ્ચે અનેક લોકો માસ્ક વગર દેખાયા હતા. સામાન્ય નાગરિકો ઉપર રોફ જમાવતી પોલીસ આ રાજકીય નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરશે કે કેમ તેવા જાહેર પ્રશ્નોએ વહીવટી અને પોલીસ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. દરરોજ 5થી 6 હજાર કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આ પ્રમાણે લોકડાયરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા તેમજ કોરોના નિયમોનું ભંગ થતા આવનારા સમયમાં રાજ્યમાં હજુ પણ કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે.
અમદાવાદના નિકોલમાં આવેલી મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ચિરાગ ઉર્ફે ડાગો પટેલે મિત્રો સાથે મળીને પોતાના એબ્બી નામના ડોગનો બર્થ ડે ઉજવ્યો હતો. જે બર્થ-ડે પાર્ટીમાં કાજલ મહેરિયાએ પોતાના સૂર રેલાવ્યા હતા. પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકો પણ રાસની રમઝટ બોલાવીને ડોગના બર્થ ડે સેલિબ્રેશનમાં સહભાગી થયા હતા. અમદાવાદમાં કોરોનાને પગલે સ્થિતિ ખરાબ છે તેવા સમયે આ પાર્ટીમાં પણ લોકોનાં ટોળાં જોવા મળ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.