આણંદ શહેરમાં ફાયર સેફટીની સુવિધા નહીં ધરાવતાં કોમ્પલેક્ષ અને દુકાનોમાં ફાયરબ્રિગેડ દ્વારા સીલ મારવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સતત સોમવારે ત્રીજા દિવસે આણંદ શહેરના લક્ષ્મીચાર રસ્તા પર આવેલા આરએ ચેમ્બર સહિત કુલ 3 કોમ્પલેક્ષ અને 63 જેટલી દુકાનોને સીલ મારીને કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ હાલમાં લગ્નગાળાની સીઝન ચાલતી હોવાથી દુકાનો સીલ મારી દેતાં દુકાનદારો અને ફાયરબ્રિગેડ ટીમ વચ્ચે ચકમક ઝરવાના બનાવો બન્યાં હતા. જો કે કેટલાંક વેપારીઓ ભાડે દુકાન હોવાથી દુકાનોને સીલ મારી દેતાં હાઇકોર્ટના દરવાજા ખટખટાવાની ચીમકી ઉચ્ચારી હતી.
આણંદ, વિદ્યાનગર અને કરમસદ બહુમાળી બિલ્ડીંગને છ માસ અગાઉ નોટીસ પાઠવીને ફાયર સેફટી સાધનો મુકવા જણાવ્યું હતું. તેમ છતાં દુકાનદારો અને કોમ્પલેક્ષ ફાયર સેફટી મુકવાની તસદી લીધી ન હતી. જેથી આણંદ નગર પાલિકાના ચીફ ઓફિસર એસ. કે. ગરવાલની સુચના હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જેમાં અત્યાર સુધી 300 વધુ દુકાન, કોમ્પલેક્ષ સહિત મકાનોને સીલ કર્યા છે. સોમવારે આણંદ શહેરમાં તંત્રએ આર.એ ચેમ્બર કોમ્પલેક્ષ સહિત 3 જેટલા કોમ્પલેક્ષને સીલ મારી દેવાયા છે.
તેમજ શહેરમાં જુદી જુદી જગ્યાએ 63 જેટલી દુકાનોને સીલ મારીને કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું. આણંદ ફાયરબ્રિગેડ દ્વારા આગની ઘટના અટકાવવા માટે અગાઉ તમામ કોમ્પલેક્ષ, બહુમાળી બિલ્ડીંગો અને 9 મીટરથી ઉંચા બિલ્ડીંગોને ફાયર સેફટીના સાધનો તૈનાત રાખવા નોટીસ પાઠવી હતી. કરસમદ, વિદ્યાનગર અને આણંદ થઇને 400 થી વધુ નોટીસ પાઠવી હતી. પણ ફાયર સેફટી અમલના કરતાં આખરે ત્રણ દિવસમાં 300થી વધુ દુકાનો સીલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.