તસ્કરી:વેપારીના બંધ ઘરના તાળા તોડી રૂ.9.43 લાખની ચોરી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગરનો બનાવ; પરિવાર વતનમાં ગયો હતો

વિદ્યાનગરમાં પરિવાર વતનમાં લગ્નમાં ગયો અને તસ્કરોએ તેમના બંધ મકાનના તાળાં તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 12 હજાર મળી કુલ રૂપિયા 9.43 લાખની મતા ચોરી કરી હતી. આ મામલે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.વિદ્યાનગર GIDC સ્થિત પાતાળકૂવાની બાજુમાં મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના રહેવાસી 54 વર્ષીય શબીલઅહેમદ મહંમદયુસુફ શેખ રહે છે. તેઓ ભંગારનો વ્યવસાય કરે છે. ભત્રીજીના લગ્ન હોય ગત 27મી ઓક્ટોબરના રોજ તેઓ પરિવાર સાથે વતનમાં ગયા હતા.

દરમિયાન, 12મીએ તેઓ પરત ફર્યા હતા. તેઓ ઘરે આવ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તાળાં સાથે તૂટેલી હાલતમાં હતો. ઘરમાં તપાસ કરતાં બેડરૂમના દરવાજાના તાળાં પણ તૂટેલી હાલતમાં હતા અને પેટી પલંગમાં મૂકેલો તથા તિજોરીનો તમામ માલ-સામાન અસ્તવ્યસ્ત હતો. જેને પગલે તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં તપાસ કરતાં તસ્કરો ઘરમાંથી 10 તોલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા 12 હજાર મળી કુલ રૂપિયા 9.43 લાખની મતા ચોરી ગયા હતા. આ અંગે તેમણે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...