તસ્કરોનો તરખાટ:પેટલાદ નગરપાલિકાના છ વાહનોમાંથી ઈલેક્ટ્રીક બેટરીની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

પેટલાદ નગરપાલિકાના છ વાહનોમાંથી ઈલેક્ટ્રીક બેટરીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. એક પખવાડિયાથી પાલિકાના વાહનોમાંથી બેટરી ચોરીની ઘટના છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આખરે છ વાહનોમાંથી ચોરી થયા બાદ પોલીસ ફરિયાદ આપી હતી. આ અંગે પેટલાદ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવ્યાં છે.

દિવસ દરમિયાન કોઈ સિક્યુરીટી ગાર્ડ રાખવામાં આવ્યો નથી

પેટલાદ નગરપાલિકામાં 2004થી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં હર્ષદ મોતીભાઈ પટેલને 2017થી સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. નગરપાલિકાના બીલ્ડીંગ તથા કમ્પાઉન્ડ બેઝમેન્ટની દેખરેખ માટે બે સિક્યુરીટી ગાર્ડ રાત્રિના સમય માટે રાખવામાં આવ્યાં છે. જોકે, દિવસ દરમિયાન પાલિકાનો સ્ટાફ હાજર હોય અને કર્મચારી તે દરમિયાન કોઇ સિક્યુરીટી ગાર્ડ રાખવામાં આવ્યો નથી.

આ દરમિયાનમાં પાલિકાના સેનેટરી વિભાગના વાહનોમાંથી ઇલેક્ટ્રીક બેટરીની ચોરીનો સિલસિલો શરૂ થયો છે. સિક્યુરીટી ગાર્ડ ઘનશ્યામભાઈ પટેલે ત્રણ ટેમ્પાથી બેટરી ચોરી થઇ હોવાનું હર્ષદ પટેલને ધ્યાન દોર્યું હતું. પરંતુ તેઓએ આ વાત ગણકારી ન હતી. બાદમાં આ સિલસિલો ચાલુ રહેતાં 3જી જૂનના રોજ વધુ એક ટેમ્પામાંથી બેટરી ચોરાઇ હતી. આ ઉપરાંત 5મી જૂનના રોજ ટેમ્પો અને ટ્રેક્ટરની ઈલેક્ટ્રીક બેટરીની ચોરી થઇ ગઈ હતી. આમ 22મી મેથી 5મી જૂન દરમિયાન કુલ છ વાહનોની છ ઈલેક્ટ્રીક બેટરી કિંમત રૂ.15 હજારની કોઇ શખસ ચોરી ગયાં હતાં. આખરે આ અંગે હર્ષદ પટેલે પેટલાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવી કેમેરામાં ત્રણ શંકાસ્પદો જોવા મળ્યા

પેટલાદ ટાઉન પોલીસે પાલિકા પરિસરમાં ધોળે દિવસે બેટરી કેસ સંદર્ભે સીસીટીવી ફુટેજ ચકાસ્યાં હતાં. જેમાં ત્રણ શંકાસ્પદો બાઇક પર જોવા મળ્યાં હતાં. જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...