આણંદ શહેરના ગામડી ઓવરબ્રિજ પાસે એલએન્ડટી કંપનીએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ગોડાઉન બનાવ્યું હતું. આ ગોડાઉનમાં રાખેલા 18 ટન જેટલા સળિયા ચોરાયાં હતાં. ફુટેજમાં ટ્રેલરમાં સળિયા ભરાતાં હોવાનું જોવા મળ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આણંદ શહેર પાસે બુલેટ ટ્રેનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરીના પગલે એલએન્ડટી કંપની દ્વારા ગામડી ઓવર બ્રિજ પાસે ગોડાઉન બનાવવામાં આવ્યું છે. જેમાં લોખંડના સળિયા, સિમેન્ટ, રેતી, કપચી વિગેરે વસ્તુ મુકવામાં આવી હતી. દરમિયાનમાં 2જી ઓગષ્ટના રોજ સવારના 9 વાગ્યાની આસપાસ જાણવા મળ્યું કે સેકશન-2ના સ્ટીલ યાર્ડમાંથી લોખંડના સળિયા ચોરી થઇ છે. જેથી કેમ્પસના સીસીટીવી ફુટેજ ચેક કરતાં વ્હેલી સવારના 4થી 5 વાગ્યાના સમયમાં ટ્રેલર નં.જીજે 23 વાય 7068માં લોખંડના સળિયાના બંડલો ભરી લઇ જતાં માણસો દેખાયાં હતાં. આથી, લોખંડના સળિયાના બંડલો ચેક કરતાં આશરે 18 ટન કિંમત રૂ.9 લાખના લોખંડના સળિયા ચોરી થયાં હતાં.
ટ્રેલર કંપનીના કમ્પાઉન્ડમાં જ મળી આવ્યું
મહત્વનું છે કે ટ્રેલર અંગે તપાસ કરતાં તે કંપનીમાં ભાડેથી માલ વહન કરવા માટે રાખ્યું હતું. જોકે, તપાસ દરમિયાન ટ્રેલર કંપનીના કમ્પાઉન્ડમાં જ મળી આવ્યું હતું. પરંતુ તેમાં સળિયા ગાયબ હતાં. જ્યારે ટ્રેલરનો ચાલક અને ડ્રાયવર બન્ને ભાગી ગયાં હોવાનું જણાયું હતું. આમ, ટ્રેલર નં.જીજે 23 વાય 7068ના ડ્રાઇવર તથા મળતીયા 18 ટન લોખંડના સળિયા ચોરી ગયાનું જણાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.