પોલીસને પડકાર ફેંકતા તસ્કરો:વિરસદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવેલ રૂમમાં મુકેલ 8 લાખ ઉપરાંતનો 144 કિલો ગાંજાની ચોરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના વિરસદ પોલીસ મથકમાં કબ્જે લીધેલ ગાંજાના મુદ્દમાલની ચોરી થતા ચકચાર મચી છે. પોલીસ મથકમાં આવેલ રૂમની પાછળની બારીના લોખંડના સળિયા અજાણ્યા ઈસમોએ ખેંચી ઉભા કરી 8,60,220ની કિંમતનો 144 કિલો અને 180 ગ્રામ ગાજો ચોરી ગયા હોવાનો બનાવની ફરિયાદ વિરસદ પોલીસ મથકે નોંધાઇ છે.

બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પોલીસ સ્ટેશનમાંથી 4 વર્ષ અગાઉ કબ્જે લીધેલ ગાંજાના મુદ્દામાલની ચોરી થતા કુતુહલ સર્જાયું છે.પોલીસની નાક નીચેથી પોલીસ કમ્પાઉન્ડમાંથી ચોર ઈસમો ચોરી કરી ભાગી જતા જનતામાં પોલીસની કિરકિરી ઉડી છે.જોકે આ ઘટનાને લઈ પોલીસે ઘનિષ્ટ તપાસ હાથ ધરી છે અને એસઓજી ,એલસીબી સહિતની ટીમ બનાવી ચોર ઈસમોને ઝડપવા કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિરસદ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલ રૂમના પાછળની બારીના લોખંડના સળિયા ખેંચી ઉભા કરી એન.ડી.પી.એસ એક્ટ કલમ 8(C),20 મુજબના ગુનામાં તારીખ 26 નવેમ્બર 2018 ના રોજ કબ્જે લીધેલ પ્રથમ થેલીમાં ગાંજો 34 કિલો 290 ગ્રામ કિંમત રૂપિયા 2,05,740, બીજી થેલીમાં ગાંજો 36 કિલો 390 ગ્રામ કિંમત રૂપિયા 2,18,340/, ત્રીજી થેલીમાં ગાજો 33 કિલો 9 ગ્રામ કિંમત રૂપિયા 1,98,540 તથા અન્ય થેલીમાં ગાજો 39 કિલો 600 ગ્રામ કિંમત રૂપિયા 2,37,600 મળી કુલે 144 કિલો અને 180 ગ્રામ ગાંજો કુલે કિંમત 8,60,220/ ના મતાની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતા.

આ બનાવ અંગે વિરસદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શોભનાબેન રમણભાઈ વાઘેલા ફરિયાદી બની વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઈપીકો કલમ 454,457 તથા 380 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ છે.

અન્ય સમાચારો પણ છે...