રેસ્ક્યુ:મહી નદીમાં કૂદી આપઘાત કરે તે પહેલાં જ યુવકને પોલીસે બચાવ્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાનો યુવક ઉમેટા બ્રિજે આપઘાત કરવાં આવ્યો હતો

વડોદરાના જસાપુરા ખોડિયાર માતાના મંદિર પાસે 22 વર્ષીય સંજયભાઈ ગણપતભાઈ ગોહેલ રહે છે. તે પરણિત છે. તેના લગ્નજીવન દરમિયાન નાની-નાની બાબતોમાં તેને પત્ની સાથે ઘરકંકાસ રહ્યા કરતો હતો. જેને કારણે તે કંટાળી ગયો હતો. દરમિયાન, મંગળવારે સવારે ઘરે કોઈને કંઈ કહ્યા વિના તે નીકળી ગયો હતો. અને ઉમેટા બ્રિજ પર આવી પહોંચ્યો હતો. તે બ્રિજની પાળી પર ચઢીને આપઘાત કરવા જ જતો હતો એ જ સમયે પેટ્રોલિંગ કરી રહેલી આંકલાવ પોલીસ ત્યાંથી પસાર થતા તેણે સમગ્ર દૃશ્ય જોયું હતું.

આંકલાવ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જગદીશભાઈ વસંતભાઈ પ્રજાપતિ અને હોમગાર્ડના માણસોએ તુરંત જ સમયસૂચકતા વાપરતાં તેણે પાછળથી યુવકને બૂમો પાડી ઊભો રહેવાનું કહીને તેમણે તુરંત દોડીને તેને પકડી લીધો હતો. તેને સમજાવીને પરત આંકલાવ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને સમગ્ર હકીકત જાણી હતી. બીજી તરફ પરિવારનો સંપર્ક કરી સલામત પરીવારજનોને સોંપ્યો હતો. વધુમાં તેની પત્ની તથા પરિવારના અન્ય સભ્યોને ઘરકંકાસ ન કરવા અને આપઘાત જ જિંદગીનું અંતિમ પગલું નથી તેમ જણાવી રાજીખુશીથી રહેવા સમજાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...