શરમજનક ધટના:શ્રમિક પરિવારને સાયકલ રિક્ષામાં મૃતદેહને સ્મશાને લઈ જવો પડ્યો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રગતિશીલ ગણાતાં વાસદ ગામે શબવાહીની ન મળી

આણંદ જિલ્લાનાં વાસદમાં એક શ્રમિક પરિવારનાં મોભીનું નિધન થતા પરિવારની આર્થિક સ્થિતી સારી નહી હોવાનાં કારણે તેમજ સબવાહીની કે વાહન નહી મળવાનાં કારણે પાંચ કલાક સુધી મૃતદેહ રોડની સાઈડમાં પડયો રહ્યો હતો ત્યારબાદ પરિવાર દ્વારા મૃતદેહને સાયકલ રીક્ષામાં મુકીને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો અને સ્મશાનગૃહમાં ગેસ ચેમ્બર્સમાં અંતિમદાહ માટે પણ સ્મશાનનાં સંચાલકએ 1500 રૂપિયા લીધા હોવાની વાત બહાર આવતા આ શરમજનક ધટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો અનુસાર વડોદરા જિલ્લાનાં જરોદ ગામનાં મૂળ વતની જગદીશભાઈ નાયક શ્રમિક અને ભિક્ષુક જીવન ગુજારતા હતા અને તેઓ વિચરતા રહેતા હતા,છેલ્લા કેટલાક સમયથી તેઓ વાસદમાં રહેતા હતા,જગદીશભાઈ ભીક્ષા માંગી જમી લેતા હતા જયારે તેમનો પુત્ર અક્ષય છુટક મજુરી કરતો હતો અને તેઓ વાસદનાં બોરસદ માર્ગ પર ઓવરબ્રીજ નજીક ખુલ્લી જગ્યામાં રહેતા હતા.

આજથી એક સપ્તાહ પૂર્વે જગદીશભાઈનું નિધન થયું હતું, અને તેમનો મૃતદેહ દવાખાના નજીક રોડની સાઈડમાં પડયો હોઈ તેમનો પુત્ર અક્ષય અને અન્ય લોકો દોડી ગયા હતા અને તેઓએ સબ વાહીની કે વાહન માટે લોકોનો સંપર્ક કર્યો હતો પરંતુ અક્ષય પાસે પૈસા નહી હોવાનાં કારણે તેને વાહન ભાડેથી મળ્યું ન હતું અને વાહનનાં અભાવે પાંચ કલાક સુધી મૃતદેહ રોડની સાઈડમાં પડયો રહ્યો હતો ત્યારબાદ અક્ષય અને અન્ય લોકોએ મૃતદેહને સાયકલ રીક્ષામાં મુકીને બે કિલોમીટર દુર આવેલા સ્મશાનમાં મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો.અને જયાં ગેસ ચેમ્બર્સમાં મૃતદેહને અગ્નીદાહ આપવામાં આવ્યો હતો.

મૃતદેહને અગ્નીદાહ માટે સાયકલ રીક્ષામાં લઈ જવાતા વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે,પ્રગતિશીલ ગણાતા વાસદ ગામ કે જે સાંસદ મિતેશ પટેલનું ગામ છે,અને આ ગામમાં સબવાહીની કે વાહન નહી મળવાનાં કારણે મૃતદેહને સાયકલ રીક્ષામાં મુકીને સ્મસાનગૃહ લઈ જવાની ધટનાને લોકો શરમજનક ધટના ગણાવી રહ્યા છે.

આ અંગે સ્થાનિક રમેશભાઈ બરફવાળાએ કહ્યું હતું કે અગ્નીદાહ માટે ગ્રામ પંચાયત હસ્તકનાં સ્મશાનમાં સંચાલક દ્વારા 2500 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી પરંતુ પરિવાર પાસે પૈસા નહી હોવાનાં કારણે તેઓની પાસેથી 1500 રૂપિયા આપવામાં આવ્યા હતા.તેમજ કફન સહીતનો ખર્ચ પણ તેઓએ ચુકવ્યો હતો. એક ખુલ્લામાં રહેતા ભિક્ષુક શ્રમિક પ્રોઢનું મોત નિપજે અને તેઓ પાસે પૈસાનાં અભાવે મૃતદેહને સાયકલ રીક્ષામાં લઈ જવો પડે તેમ છતાં સ્મશાનગૃહમાં તેઓની પાસેથી 1500 રૂપિયાની ફી લેવામાં આવી હોવાની ધટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.

અન્ય સમાચારો પણ છે...