ચેતન પટેલ
GCMMFના મેનેજિંગ ડિરેકટર આર. એસ. સોઢીને હટાવી તેમના સ્થાને કાર્યકારી એમડી તરીકે જયેન મહેતાને ચાર્જ સોંપાયો છે. 40 વર્ષ સુધી એક જ સંસ્થામાં કામ કરનાર અને 12 વર્ષ સુધી એમ. ડી. રહેનાર આર. એસ. સોઢીના રાજીનામાથી અનેક તર્ક વિર્તક સર્જાયા છે. સોઢીએ તેમની સામેના આક્ષેપો વિશે ભાસ્કરને શું જણાવ્યું? વાંચો ઇન્ટરવ્યૂ
ભાસ્કર: દૂધમાંથી માખી કાઢીને ફેંકી દેવાય એમ તમને જીસીએમએમએફસીના એમડી પદેથી દૂર કરાયા.
સોઢી : ફેડરેશન જવાબદારી સોંપી મારામાં વિશ્વાસ મૂક્યો હતો. ફ્રીડમ સાથે કામ કરવાની છૂટ આપી. રહી વાત રાજીનામાની તો મેં જ ફેડરેશનને રાજીનામંુ આપ્યું છે, જે સ્વીકારી લેવાયું છે. કાઢી નથી મૂકયો, હા જે પત્ર ફેડરશને લખ્યો છે તેમાં શબ્દોપ્રયોગ ખોટો કરાયો છે. એમાં લખ્યું છે કે તાત્કાલિક અસરથી ચાર્જ છોડી દેવા અને સીઓઓને સુપરત કરવા હુકમ કરવામાં આવે છે. બેઠક બાદ મેં પત્ર આખો વાંચ્યો ન હતો. થયેલી ચર્ચા બાદ સહી કરી હતી. મને કહેવાયું હતુ કે કોઇને તૈયાર થવા દો પછી આપજો.
ભાસ્કર: તમારી સામે ગેરરીતિના અને આપખુદશાહીના આક્ષેપો કરાયા છે. આ વિશે શું કહેશો?
સોઢી : આટલો મોટો વહીવટ સંભાળો એટલે આક્ષેપો તો થવાના, કંપનીમાંથી મને મારી જરૂરિયાત કરતા વધુ પગાર મળ્યો છે. જેનો મેં કાયદેસર ઇન્કમટેક્સ ભર્યો છે. એ સિવાય મારી કોઇ આવક નથી. ગેરરીતિ મામલે કોઇને પણ સવાલ હોય તો મને સીધો પૂછી શકે છે હું જવાબ આપીશ. બીજંુ કે મેં કવોલિટીમાં કયારેય બાંધછોડ કરી નથી. જેને લઇને ઘણીવાર કઠોર નિર્ણય કરવા પડ્યા છે. જેમાં બધા ખુશ ન પણ હોય અને તેને મારા આપખુદશાહીના વલણમાં ખપાવી દીધુ હોય, ખરેખર એવું નથી.
સવાલ : 12 વર્ષ પહેલા એમ ડી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે શું પડકારો હતા
જવાબ : ઇરમામાંથી પાસ આઉટ થયા બાદ ફેડરેશનમાં સેલ્સ ઓફિસર તરીકે જોડાયો, 30 વર્ષ ડો. કુરિયન સાથે કામ કરવાનો અને ઘણુ શીખવાનો મોકો મળ્યો. ગુજરાત બહાર દૂધ એકત્ર કરાવાનું સંકલન પડકારરૂપ હતું. અમારી ટીમે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા સહિતના રાજયોમાં નેટવર્ક ઉભુ કર્યુ, આજે 60 લાખ લિટર વધુ દૂધ મેળવી રહ્યા છે. અગાઉ અમૂલની 30 બ્રાંચ હતી, હવે 80 થઇ ગઇ છે. સ્પર્ધાત્મક બજાર વચ્ચે નવી પ્રોડકટ લાવ્યા, બેવરેજીસ અને ચોકલેટ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ. આજે 10 હજાર ડિસ્ટ્રીબ્યુટર્સ છે.
સવાલ : અત્યાર સુધીની કપરી કામગીરી કઇ રહી
જવાબ : અમૂલમાં ટીમ વર્ક સારુ છે. જેથી કામગીરીનું ભારણ નડતુ નથી. માર્ચ 2020માં કોરોનાના કારણે બધુ બંધ હતુ. ત્યારે કટોકટી સર્જાઇ હતી. એક તરફ ઉત્પાદકોને સમજાવ્યા કે તમારુ દૂધ પડી નહીં રહે અને ગ્રાહકોને દિલાસો આપ્યો કે તમે દૂધ વિના નહીં રહો. જીપીએસ સિસ્ટમથી ટેન્કરોના પુરવઠા પર સતત નજર રાખતા રહ્યા. એ સમયે અમારા કામના કલાકો 12 થઇ જતા હતા. કયાંક ટેન્કર અટકે તો આઇજી કે જે તે કલેકટરને વાત કરી નિકાલ લવાતો હતો. જેથી એ સમય દૂર નિરંતર મળતુ રહ્યું.
સવાલ : રાજયમાં સહકાર ક્ષેત્રનું ભાવિ કેવુ લાગે છે
જવાબ : સહકાર ક્ષેત્રે કેન્દ્ર સરકારે અલગ વિભાગ ઉભો કર્યો છે. જે દુરંદેશી પગલુ છે. લાંબા સમયે ફાયદો થશે.
સવાલ : સહકારી સંસ્થાઓમાં રાજકીય હસ્તક્ષેપ વધી રહ્યો છે
જવાબ : કોઇ પણ પબ્લીક સંસ્થામાં રાજકારણને એવોઇડ કરી ન શકો, પરંતુ અમૂલમાં એવુ નથી. સંઘની ચૂંટણી જુદી વાત છે વહીવટમાં કોઇ હસ્તક્ષેપ નથી.
સવાલ : ભવિષ્યમાં શુ પ્લાનિંગ છે?
જવાબ : હાલ તો ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલો રહીશ, ખેડૂતોની સેવા કરીશ. આણંદમાં જ રહીશ. ઇન્ડીયન ડેરીનો પ્રમુખ છું કામ કરતો રહીશ.
સવાલ : નવા એમ ડી સામે શું પડકારો રહેશે
જવાબ : ખેડૂત અને ગ્રાહક વચ્ચે બેલેન્સ રાખવુ પડશે. દૂધ ઉત્પાદકો વધુ ભાવ માગે છે. જયારે ગ્રાહકો બોજો વધી ન જાય તેની ચિંતા કરતા હોય છે. જેથી બંને વર્ગ સચવાય તે રીતે કામ કરવુ પડશે.
સવાલ : તમારા રાજીનામા પાછળ રાજકીય પ્રેશર જવાબદાર છે
જવાબ : ના, કોઇ પ્રેશર નથી. લાંબા સમયથી બોર્ડ સાથે રાજીનામાની વાત ચાલતી હતી. બોર્ડને કોઇ પ્રેશર હોય તો ખબર નથી, તેમને કોની સાથે વાત થઇ છે. તમે શામળદાસને પૂછી શકો છો. હું કંઇ વધુ કહી ન શકું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.