તપાસ:મંદિરની ભીડમાં વૃદ્ધાની કંઠી 2 મહિલાઅે સેરવી લીધી હતી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષ નિમિત્તે દર્શન કરવા ગઈ હતી ત્યારે ઘટના બની હતી
  • ફૂટેજ અાધારે અમદાવાદની બે મહિલા ઝબ્બે

આણંદ સ્થિત અંબા માતાના મંદિરે દર્શને ગયેલાં વૃદ્ધાના ગળામાંથી રૂપિયા 65 હજારની મતાની સોનાની કંઠીની ચોરી કરવાના બનાવમાં આણંદ શહેર પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે અમદાવાદની બે મહિલાની ધરપકડ કરી હતી. હાલમાં બંને મહિલાઓને કોર્ટમાં રજૂ કરતાં તેમને બિલોદરા જેલમાં મોકલવાનો આદેશ કરાયો છે.

પેટલાદ તાલુકાના નાર ગામે મોટી ખડકી નવીવાડ વિસ્તારમાં 90 વર્ષીય સવિતાબેન નટુભાઈ પટેલ આણંદ-વિદ્યાનગર રોડ સ્થિત હરીદર્શન પાર્ક ખાતે તેમના ભાભી કોકિલાબેન મયુરભાઈ પટેલના ઘરે નવા વર્ષ નિમિત્તે આવ્યા હતા. દરમિયાન, નવા વર્ષે સવારે નવ વાગ્યે સવિતાબેન, ભાભી કોકીલાબેન સાથે આણંદ વહેરાઈ માતા મંદિર નજીક આવેલા અંબા માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા.

જોકે, એ સમયે મંદિરમાં ભક્તોની ભીડનો લાભ લઈ તેમની સોનાની કંઠીની કોઈએ ચોરી કરી દીધી હતી. દરમિયાન, આ બનાવ સંદર્ભે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં મહિલાના ગળામાંથી સોનાની કંઠી ચોરી કરનારી અમદાવાદની બે મહિલાઓ હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ અમદાવાદના ઠક્કરનગર ખાતે રહતી ગજીબન કાંતિ દંતાણી અને નર્મદા વિજય દંતાણીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં તેમના વિરૂદ્ધ અગાઉ કોઈ ગુનાઓ નોંધાયો નહોતા. હાલમાં તેમને કોર્ટમાં રજૂ કરતાં બિલોદરા જેલમાં ધકેલવાનો આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...