એ રાતની કહાણી સિસ્વાની જુબાની:બોરસદના સિસ્વાનાં ગ્રામજનોએ કહ્યું, મધરાતે પાણી આવ્યું ને અમે જીવ મુઠ્ઠીમાં લઈને ભાગ્યાં, અમારી જીવનભરની પુંજી પાણીમાં તણાઈ ગઈ

આણંદએક મહિનો પહેલાલેખક: તેજસ શાહ
  • રાત્રે 12 વાગ્યે પાણી આવતાં લોકો જીવ બચાવવા ભાગ્યા હતા
  • તંત્ર એર ટ્યૂબ બોટનો ઉપયોગ કરી મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે

'સાંજે વરસાદ આવતો હતો'ને અમે શાંતિથી ઊંઘ્યા હતા. રાત્રે બાર વાગ્યે અચાનક પાણી આવ્યું, શું કરવું કઇ સમજણ નહોતી પડતી. જોત જોતમાં ઘૂંટણ સુધી પાણી ઘરમાં ભરાઇ ગયું'ને અમે જે હાથમાં આવ્યું એ લઇને જીવ બચાવવા ભાગ્યા. નાના નાના છોકરાને લઇને ઘૂંટણસમાં પાણીમાં જીવ મુઠ્ઠીમાં લઇને ભાગ્યા. અમારી જોડે બીજો કોઇ રસ્તો નહોતો બચ્યો શું કરીએ. નાના નાના પશું જે પાણીમાંથી ન નિકળી શક્યા તે બધા પાણીમાં તણાઇ ગયા. એ સાથે અમારા જીવનભરની પુંજી પણ પાણીમાં ગઇ'. આ શબ્દો છે પૂરમાં પોતાનું બધું ગુમાવનાર બોરસદના સિસ્વા ગામના લોકોના. જેમણે રાતોરાત પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું હતું. તંત્ર દ્વારા 380 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. હજુ બચાવ કામગીરી ચાલુ છે. જોકે, ફરી વરસાદ ચાલુ થતા લોકોના જીવ તાળવે ચોટ્યા છે.

લોકોએ દિવ્ય ભાસ્કર આગળ એ રાતની કહાણી વર્ણવી
બોરસદ પંથકમાં ગતરોજ 12 ઈંચ થઈ વધુ ખબકેલા વરસાદથી બોરસદ શહેર અને તાલુકાના નીંચાણવાળા ગામોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે સીસવા ગામમાં પૂર આવતા અનેક લોકો ઘર વિહોણા થયા છે. ત્યારે દિવ્ય ભાસ્કરે સ્થળ પર જઇને લોકોની સ્થિતિ જાણી હતી. પોતાનું ઘરબાર, પશુઓ મૂકીને માત્ર જીવ બચાવવા ભાગેલા લોકોએ ભારે હૈયે દિવ્ય ભાસ્કર આગળ એ રાતની કહાણી વર્ણવી હતી.

છોકરાઓને લઈને માંડ માંડ નીકળ્યા
ગામના મઘીબેન જણાવે છે કે, રાત્રે બાર વાગ્યે પાણી આવ્યું. છોકરાઓને લઇને માંડ માંડ નીકળ્યા, હજું ઘરમાં પાણી ભરાયેલું છે. ગામના બીજા એક વૃદ્ધાએ જણાવ્યું કે, બધું પાણીમાં જતું રહ્યું, એક તો માંડ માંડ જીવતા હતા. જે થોડા ઘણું ઘરમાં હતું તે બધું પાણીમાં જતું રહ્યું. અહિંયા આશરો મળ્યો છે. બે ટાઇમ ખાવાનું મળે છે.

ઘરનું શું થયું હશે એ કંઈ ખબર નથી
સિસ્વા ગામના રમેશભાઇએ જણાવ્યું હતું કે, રાત્રે પાણી આવતા અમે સરપંચને જાણ કરી અને પછી અમે ગામ મૂકીને જતા રહ્યા. બકરા અને ઢોર ઢાંખરનો કોઇ પત્તો નથી. જે આવે એમ હતા એમને લઇને આવ્યા છીએ. ઘરનું શું થયું હશે તે કંઇ ખબર નથી. ગામના દિનેશ નામના યુવકે જણાવ્યું હતું કે, જીવ તો બચી ગયો પણ ઘર પડી ગયું છે. અત્યારે તો આશરો મળે છે પણ હવે પછી ક્યાં જઇશું એની ચિંતા કોરી ખાય છે.

હજુ પણ વરસાદ ચાલુ
બોરસદ પંથકમાં ગતરોજ 12 ઈંચ થઈ વધુ ખબકેલા વરસાદથી સિસ્વા ગામ સંપર્ક વિહોણું થયું છે, ત્યારે હજુ પણ વરસાદ ચાલુ છે. જેને લઇને તંત્ર એલર્ટ મોડ ઉપર છે. પાણીનો નિકાલ ન થયો હોવાના કારણે સીસવા ગામમાં રાત્રે ગામ લોકો આવવા જવા માટે એર ટ્યુબ બોટનો ઉપયોગ કરી એકબીજાને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સતત વરસાદથી વહીવટીતંત્ર અને નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.

70થી વધુ મકાનોમાં પાણી ભરાયાં
સિસ્વા ગામમાં પાણી ભરાઈ જતા નાગરિકો જીવને જોખમ ઉભું થયું હતું. ઇન્દિરા કોલોનીના 70થી વધુ મકાનોમાં પાણી ભરાયા છે. તમામ પરિવારો રોડ પર તંબુ બાંધી રહેવા મજબુર બન્યા છે. 3 ફૂટ કરતા પણ વધુ પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 20 કલાક બાદ પણ પાણીનો નિકાલના થતા અને આ સાથેજ પુનઃ વરસાદના આગમનથી સ્થાનિકો ભયભીત બન્યા છે.

380 લોકોનું રેસ્ક્યૂ કરાયું
સ્થાનિક યુવાનો અને ફાયર ટીમ દ્વારા ફસાયેલા નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને 150થી વધુ નાગરિકોની સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું. જે આંકડો આજે 380એ પહોંચ્યો છે. જે અસરગ્રસ્ત નાગરિકોને હાલને ગામની હાઈસ્કૂલમાં અને પટેલ વાડીમાં આશરો અપાયો છે. બીજી તરફ વધુ વરસાદની પરિસ્થિતિ અને નાગરિકોના બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફ.ની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

ફરી વરસાદ ચાલુ થતાં સ્થાનિકોમાં ભય
વરસાદના 24 કલાકે પણ પાણીના સ્તરમાં ઉતર્યા બાદ પુનઃ વરસાદ શરૂ થતાં સ્થાનિકોમાં ભયનું વાતાવરણ નિર્માણ થયું છે અને વહીવટીતંત્ર એલર્ટમોડ પર આવ્યું છે. અહીં વરસાદી તારાજીમાં એક સેવાભાવી યુવાન પાણીમાં ગરકાવ થયો હોવાની ઘટનાએ પણ ગ્રામજનોમાં શોક ઉભો કર્યો છે. ગામના નાના મોટા કાચા મકાનોને વ્યાપક નુકશાન થયું છે અને નાગરિકો અસરગ્રસ્ત અને બેઘર બન્યા હોવાની સ્થિતિ નિર્માણ થઈ છે.

મૃતક કિશન સોલંકીની ફાઇલ તસવીર.
મૃતક કિશન સોલંકીની ફાઇલ તસવીર.

પાણી નિકાલની મોટી સમસ્યા
25 વર્ષીય યુવક કિશન સોલંકી ગતરોજ બપોરે 3 કલાકે અસરગ્રસ્ત નાગરિકોને ભોજન પીરસી પરત આવી રહ્યો હતો, ત્યારે તેનો પગ લાપસતા જ કાંસમાં ગરકાવ થઈ ગયો હતો. આણંદ ફાયર ટીમ દ્વારા તેના મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કાંઈ જ હાથ લાગ્યું નહોતું. આજે એનડીઆરએફની ટીમ અહીં પહોંચી કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે તળાવ, નાળા, કાંસ સઘળું છલકાઈ જતા પાણી નિકાલની મોટી સમસ્યા ઉભી થઇ છે.

સાંસદે મુલાકાત લીધી
પૂર અસરગ્રસ્ત વિસ્તાર અને નાગરિકોની બચાવ કામગીરી માટે બોરસદ મામલતદાર, એસ.ડી.એમ. જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ મિતેષભાઈ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સિસ્વા ગામે પહોંચ્યા હતા. ગામમાં ભરાયેલા પાણીને કારણે અસરગ્રસ્ત બનેલા પરિવારોની મુલાકાત લીધી હતી. ગામનો કિશન નામનો યુવાન ગત રોજ થયો હતો પાણીમાં ગરકાવ થયો હોવાની ઘટનાને લઈ સાંસદે મૃતક યુવકના પરીવારજનોને મળી આશ્વાસન આપ્યું હતું.વળી મુખ્યમંત્રી સાથે આ બાબતે વાત કરી હોવાનું જણાવી અસરગ્રસ્તોને યોગ્ય સરકારી સહાય અપવા સરકારને કરીશ રજૂઆત કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...