આણંદ નજીક વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે મોડી રાત્રીના સમયે ગોઝારો અકસ્માત થયો હતો. બેદરકાર ટ્રક ચાલકે એક્સપ્રેસ હાઈવેની મુખ્ય લાઈન ઉપર કોઈપણ જાતના ભયસિગ્નલ આપ્યા વગર ટ્રક ઉભી કરી દીધી હતી. જેમાં વડોદરાથી પરત આવી રહેલા ડાકોરના યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેને લઈ ડાકોર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું વાતાવરણ નિર્માણ થયું છે.
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત થયો
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં જથ્થાબંધ દવાઓના વેપાર સાથે સંકળાયેલા અને મૂળ ડાકોરના વતની અમિતભાઇ પંડ્યા કૌટુંબિક કામે ડાકોર આવ્યા હતા. જેઓને વડોદરા પરત જવાનું હોઈ ઈકો ગાડીના ડ્રાઈવર સુનિલ વિનોદભાઈ પરમારને ફોન કરતા તેઓ અન્ય બે મિત્રો ચિરાગ કિરણભાઈ સોલંકી અને રાહુલ કનુભાઈ માળીને સાથે લઈ અમિતભાઇને વડોદરા મુકામે મુકવા ગયા હતા. રાત્રીના 8 વાગ્યા બાદ ડાકોરથી રવાના થયેલ ઈકો ગાડી સાડા 10 વાગ્યાની આસપાસ વડોદરા પહોંચી હતી. જ્યાં અમિતભાઇ પંડ્યાને ઘરે ઉતારી સુનિલ પરમાર અને અન્ય બે મિત્રો સાથે ડાકોર પરત આવવા નીકળ્યા હતા. જે દરમિયાન વડોદરા અમદાવાદ એક્સપ્રેસ માર્ગ ઉપર આ જીવલેણ અકસ્માત નિપજયો હતો.
ટ્રકની પાછળ ઇકો ઘૂસી
આ અંગે અમિત પંડ્યાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રિના આશરે એકાદ વાગે બનેવી હાર્દિકભાઈએ ફોન દ્વારા માહિતી આપી કે તમને વડોદરાથી મુકીને સુનીલભાઇ અને તેના મિત્રો પરત ડાકોર આવતા હશે ત્યારે આશરે સવા બારેક વાગ્યે વડોદરાથી અમદાવાદ જતા એક્સપ્રેસ હાઇવે ઉપર વહેરાખાડી ગામથી આગળ ગણેશપુરા પાસે ઇકો કાર ત્યાં બંધ પડેલ ટ્રક-ટ્રેઇલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ છે અને ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થયેલ છે, તેવું ત્યાંથી પસાર વાહન ચાલકો તેમજ એમ્બ્યુલન્સના સ્ટાફ સાથે વાતચીતથી જાણવા મળેલ છે. આમ વાત કરતા તરત જ અમિતભાઈ પંડ્યા બનાવ સ્થળે અવવા નીકળી ગયા હતા. જ્યાં પહોંચતા તેઓએ જોયું કે પોલીસ સ્ટાફ તથા હાઇવે ઓથોરીટીના માણસો વાહન વ્યવહાર પૂર્વવત કરાવતા હતા.
ગોઝારા અકસ્માતમાં ત્રણના મોત થયા
અમિતભાઇએ વિગત વર્ણવતા વધુમાં જણાવ્યું હતું કે. અહીં ઘટના સ્થળે ભેગા થયેલ માણસોએ તેઓને જણાવેલું કે ત્યાં પડેલી ટ્રક નંબર (RJ-09 GB-11 78)ના ચાલકે એક્સપ્રેસવેની મુખ્ય લાઇન પર પોતાની ટ્રક કોઇ પણ જાતના ભયજનક સિગ્નલો આપ્યા કે રખાવ્યા વગ૨ તેમજ પાછળથી બ્રેક લાઇટો કે ઇન્ડીકેપ્ટર ચાલુ રાખ્યા વગર ઉભી રાખી દેતા આ ઇકો કાર તેના પાછળના ભાગે ઘૂસી જતા અકસ્માત થયો છે. ઈકો કારમાં સવાર ચાલક સુનીલભાઈ વિનોદભાઇ પરમાર તથા ચિરાગભાઈ કિરણભાઈ સોલંકીને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અને તેઓ બંનેને માથામાં, મોઢા ઉપર તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી અને ઈકો કારમાં બેસેલ અન્ય વ્યક્તિ રાહુલભાઇ કનુભાઇ માળીને પણ ગંભીર ઈજાઓ માથા ઉપર, મોઢા ઉપર થતાં સ્થળ પર જ મરણ ગયેલ હતા અને સુનીલભાઈ અને ચિરાગભાઈને આણંદ સરકારી હોસ્પિટલે મોકલવામાં આવ્યા હતા જ્યાં તેઓને ફરજ ઉપરના ડોક્ટરે મરણ જાહેર કર્યા હતા.
પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ અંગે અમિતભાઇ પંડ્યાની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે પોતાનું વાહન ગફલતભરી રીતે બેદરકારથી કોઇપણ જાતના ભયજનક સિગ્નલો આપ્યા વગર તેમજ વાહનની પાછળની બ્રેક લાઇટ, પાર્કિંગ લાઇટ, ઇન્ડીકેટર ચાલુ કર્યા વગર એક્સપ્રેસ હાઇવેની મુખ્ય લાઇન ઉપર ઉભુ રાખી દેતા જીવલેણ અકસ્માતમાં ત્રણ યુવકોનું મોત થવા બાબતે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.