ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં જેમાં ખાસ તો પરિવાર ઘરની બહાર સુતા હોય કે પછી ખુલ્લા દરવાજા હોય ત્યારે ઘરમાંથી માત્ર મોબાઈલ ચોરી કરતા હોય તેવા ત્રણ શખસોને ખંભાત શહેર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. આ અંગે વાત કરતાં ખંભાત શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ રણજીતસિંહ ખાંટે જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંય સમયથી મોબાઈલ ચોરીનું પ્રમાણ વધતાં ખાનગી બાતમીદારોને સક્રિય કર્યા હતા.
જેમાં ખંભાત લાલ દરવાજા આગળ ત્રણ ઈસમો ભુરા ઉર્ફે લાખો ખુસાલ ચુનારા, રણજીત રમણ ચુનારા (બંને રહે. બાજીપુરા), ભાવસિંગ ઉર્ફે ભાવો શાંતુભાઇ ચુનારા (રહે. મોરજ) મોબાઈલ વેચવા જવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે પોલીસે તેમને ઝડપી પાડી તપાસ કરતાં તેમની પાસેથી 27 જેટલા બિલ વગરના ચોરીના મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
તેના બિલ બાબતે કોઈ સંતોષકારક જવાબ ન આપતાં સઘન પૂછપરછ કરતાં મોબાઇલ રાલજ, વત્રા, ડાલી, કલમસર, બાજીપુરા, ખટનાલ, સહિત ખંભાત ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે 27 મોબાઈલ, એક ટેબલેટ તથા કિ-પેડ ફોન મળી કુલ રૂપિયા 1.53 લાખનો મુદ્દામાલ કબજે કરી તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની માહિતી મેળવવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.