આણંદ પાસેના બોરીયાવી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીમાં રૂપિયા 25 હજારની મતાની ચોરી કરવા બાઈક લઈને આવેલા ત્રણ શખ્સોને ફરજ પર હાજર સિક્યોરીટી ગાર્ડે પડકારતાં તેઓ પોતાનું બાઈક સહિત તમામ વસ્તુ મૂકીને ભાગી ગયાં હતાં. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ત્રણેય શખસની ધરપકડ કરી હતી.
બોરીયાવી સીમમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન, રાત્રિના સાડા અગિયાર વાગ્યે ત્રણ શખસ બાઈક પર આવ્યા હતા અને આ પ્રોજેક્ટના ઝેકરોળના સળિયા, કોપર કેબલના સાધનોની ચોરી કરીને ભાગતા હતા. જોકે, સિક્યુરીટી જવાન જોઇ જતાં તેમણે તેમને પડકાર્યા હતા. જેને પગલે તેઓ બાઈક સહિત બધું સ્થળ પર જ મુકી ભાગી ગયાં હતાં.
પોલીસે બાઈક નંબરના આધારે તપાસ કરતાં ત્રણેય શખસ બોરીયાવીના હોવાનું અને તેમના નામ હરેશ મગન ચૌહાણ, મહેન્દ્ર ઉર્ફે મગન ચૌહાણ અને કનુ રમણ રાઠોડ હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ સામરખા પાસે બુટેલ ટ્રેનના પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરી દરમિયાન ચોરી થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.