આણંદ સબ જેલમાં નવ વર્ષ પહેલા જેલર તરીકે ફરજ બજાવતાં કલાર્કે કેદીને બિલોદરા જેલમાં ન મોકલવા માટે લેપટોપ અને રૂ. 25 હજારની લાંચ માંગી હતી. આ કેસમાં એસીબીએ છટકુ ગોઠવી તેને રંગેહાથ પકડી લીધો હતો. જે કેસમાં ન્યાયધિશે જેલરને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.
વર્ષ 2013માં લાંચનો કેસ નોંધવામાં આવ્યો હતો
આણંદ સબજેલમાં 2013ના વર્ષમાં જેલર તરીકે આલાપ ચંદ્રકાંત સોલંકી ફરજ બજાવતો હતો. સબજેલમાં હર્ષદ ઠક્કર છેતરપિંડીના આરોપસર કાચા કામના કેદી તરીકે હતો. દરમિયાનમાં આણંદ સબજેલમાં કેદીઓની સંખ્યા વધી જતાં તેમાંથી 27 જેટલા કેદીને નડિયાદની બિલોદરા જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ થયો હતો. આ આદેશના પગલે આલાપ સોલંકીએ હર્ષદ ઠક્કરના પુત્ર નિર્મલને જણાવ્યું કે, તમારા પિતા હર્ષદને બિલોદરા ટ્રાન્સફર કરવાના છે. આથી, નિર્મલે બિલોદરા જેલમાં મોકલશો તો અગવડ પડશે તેવી વાત કરી હતી. બાદમાં 1લી મે,2013ના રોજ આલાપે મોબાઇલ કર્યો હતો અને જો તારા પિતાને જેલ ટ્રાન્સફર ન કરવી હોય તો હું તને કહું તેમ તારે કરવું પડશે. તેમ કહી ફોન કરી કરી દીધો હતો. બાદમાં નિર્મલ ટિફિન દેવા આવ્યો તે સમયે આલાપને મળતાં હર્ષદ ઠક્કરની જેલ ટ્રાન્સફર ન કરવા માટે લેપટોપ અને રૂ.25 હજાર રોકડાની માંગણી કરી હતી. આથી, નિર્મલે આણંદ એસીબીમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ છટકા મુજબ 3જી મે,13ના રોજ નિર્મલ સબજેલ પર પહોંચી આલાપને મળ્યો હતો. જ્યાં વાતચીત બાદ રૂ.25 હજાર આપ્યાં હતાં. આ રકમ ગણીને આલાપે પેન્ટના ખિસ્સામાં મુકી દીધાં હતાં. આ સમયે એસીબીએ ત્રાટકી રોકડ જપ્ત કરી હતી.
તત્કાલીન સબ જેલરને ત્રણ વર્ષ કેદની સજા
આણંદ એસીબીએ આલાપ સોલંકી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જેની ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસમાં સરકારી વકિલ જે.એસ. ગઢવીની દલીલો, 4 સાક્ષી, 18 દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યાં હતાં. ન્યાયધિશે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ આલાપ ચંદ્રકાંત સોલંકીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ -1988ની કલમ -7 મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા. આ ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ -1988 ની કલમ 13 (1) (ઘ) મુજબ ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા રૂ.5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.