હિસાબી ગોટાળા બહાર આવ્યા:તત્કાલિન ઓડિટરે ICAIના કોડ ઓફ એથિક્સનો ભંગ કર્યાનું ખૂલ્યું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિવર્સિટીમાં ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ બનાવવા અને તેનું ઓડિટ કરવાની બે કામગીરી નિભાવી હતી

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ 2014-15ના નાણાંકીય વર્ષ દરમિયાન મળી આવેલી 1649 એન્ટ્રીઓ બેલેન્સ શીટ સાથે ટેલિ ન થતી હોવાનું અને તેને પગલે રૂપિયા 37.30 કરોડના હિસાબી ગોટાળા સામે આવ્યા છે ત્યારે બીજી તરફ સમગ્ર મામલે વધુ એક હકીકત એવી પણ ખુલી છે કે, યુનિવર્સિટીમાં એકાઉન્ટ તૈયાર કરનારા અને તેનું ઓડિટ કરનારા એમ બંને ફર્મ એક જ હતી. આમ, ભૂલ રહે અને ભૂલ જાય તે સ્વાભાવિક છે..

આ અંગે વાત કરતાં વડોદરાના ફોરેન્સિક ઓડિટર અને ચાર્ટડ એકાઉન્ટટન્ટ સંજીવભાઈ શાહે જણાવ્યું હતું કે, કે. જી. પટેલ એન્ડ કાુંએ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી બે જવાબદારી, એક ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ બનાવવું અને તેનું ઓડિટ કરવાની જવાબદારી એક સાથે લીધી હતી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટટન્ટ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) ના કોડ ઓફ એથિક્સ પ્રમાણે કોઈ પણ સંસ્થા કે ફર્મ કે એકાઉન્ટટન્ટ એક સાથે બે જવાબદારી ન લઈ શકે. કારણ કે, એકાઉન્ટ લખનારી વ્યક્તિ કે સંસ્થા તેનું ઓડિટ કરી ભૂલ ક્યાંથી શોધી શકે એ એક સવાલ છે.

અલબત્ત, કમિટીએ સોંપેલા રિપોર્ટમાં આ ભૂલ બહાર આવી છે. જે સૌથી મોટી અને મહત્વની છે. આ સિવાય, નોટ્સ ટુ એકાઉન્ટ્સ અંતર્ગત મોટી રકમની ‘એડજસ્ટમેન્ટ એન્ટ્રી’ ની જરૂરી નોંધ પણ નથી લીધી. કે. જી. પટેલ એન્ડ કાું દ્વારા વર્ષ 2017-18 અને વર્ષ 2018-19ના ઓડિટ બેલેન્સ શીટમાં આ નોંધ લેવાઈ નથી. જોકે, સમગ્ર મુદ્દે યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટ ઓફિસર એન.કે. ભટ્ટની જવાબદારી એ હતી કે તેમણે બેલેન્સ શીટ ચેક કરવી જોઈતી હતી. પરંતુ તેમાં તેઓએ ઘોર બેદરકારી દાખવી હતી. અને તેને પગલે હિસાબી ગોટાળા બહાર આવ્યા હતા.

કોડ ઓફ એથિક્સનો ભંગ થયો છે તો હવે શું…??
સમગ્ર મામલે કોડ ઓફ એથિક્સનો ભંગ થયો છે તેવું સામે આવ્યું છે એ હકીકત છે. પરંતુ સૌથી યક્ષ પ્રશ્ન છે કે હવે શું ? અહીં યુનિવર્સિટી જે તે ફર્મ સામે પગલાં લઈ શકે છે. ફર્મ વિરૂદ્ધ આઈસીએઆઈમાં શિસ્તભંગના પગલાં ભરવા જોઈએ તેવી ફરિયાદ યુનિવર્સિટી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...